અફઘાનિસ્તાનમાં શુક્રવારે યુદ્ધ અભિયાન દરમિયાન બે અમેરિકન સૈનિકોના મોત થયા છે. નાટોની આગેવાનીવાળા રિસોલ્યૂટ સપોર્ટ મિશને એક નિવેદનમાં આની જાણકારી આપી છે.
ન્યૂઝ એજન્સી સિન્હુઆએ એક નિવેદનને ટાંકીને કહ્યુ છે કે એક અભિયાન દરમિયાન બે અમેરિકન સૈનિકોના મોત થયા છે. નાટોની આગેવાનીવાળા રિસોલ્યૂટ સપોર્ટ ફોર્સના 16 હજારથી વધારે સૈનિક અફઘાનિસ્તાનમાં અફઘાન ફોર્સને તાલીમ, મદદ અને સલાહ આપી રહ્યા છે. આમાથી મોટાભાગના અમેરિકન સૈનિકો છે.
ગુરુવારે અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં એક પવિત્ર સ્થાનની નજીક નવવર્ષની ઉજવણી દરમિયાન શ્રેણીબદ્ધ ત્રણ વિસ્ફોટો થયા હતા અને તેમા છ લોકોના મોત નીપજ્યા હતા અને 23 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
સિન્હુઆના અહેવાલ મુજબ, સકરારી અધિકારી વહીદુલ્લાહ મયારે કહ્યુ છે કે વિસ્ફોટોમાં છ લોકો શહીદ થયા હતા અને 23 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અફઘાન સુરક્ષા દળો દ્વારા દેશભરમાં નવરોજ ઉત્સવ પહેલા સુરક્ષા વધારવાની વચ્ચે ગુરુવારે આ બોમ્બ વિસ્ફોટ થયો હતો.