- આજે મુંબઈ હુમલાની 12 મી વર્ષગાંઠ
- આતંકીઓએ શ્રીનગરમાં ફેલાવી દહેશત
- આતંકી હુમલામાં બે જવાનો થયા શહીદ
શ્રીનગર: મુંબઇમાં થયેલા આતંકી હુમલાની વર્ષગાંઠ પર આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરની સીમમાં ભારતીય જવાનો પર ફાયરિંગ કર્યું હતું. જેમાં બે જવાનો શહીદ થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ આતંકવાદીઓએ અબન શાહ ચોક એચએમટી પર આ નાપાક કૃત્ય કર્યું છે. આજના દિવસે 26 નવેમ્બર 2008ના રોજ મહારાષ્ટ્રની રાજધાનીમાં આતંકવાદીઓએ દહેશત ફેલાવી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ અબન શાહ ચોક પર ક્વિક રિએક્શન ટીમ પર ગોળીબાર કર્યો હતો. જો કે, પરમપોરા પોલીસ સ્ટેશનના અધિકારના ક્ષેત્રમાં આવે છે. તેમણે કહ્યું કે, જયારે આતંકવાદીઓએ સેનાના જવાનો પર ગોળીબાર કર્યો, ત્યારે કેટલાક આંતકવાદીઓ એક વેનમાં સવાર હતા. આ ગોળીબારમાં સેનાના બંને જવાન ખરાબ રીતે ઘાયલ થયા હતા અને શરીફાબાદ એચએમટી લઇ જતી વેળાએ રસ્તામાં જ તેઓનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ જવાનો પરના હુમલા બાદ સમગ્ર વિસ્તાર ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓ 26 નવેમ્બર 2008 ના રોજ સમુદ્ર દ્વારા મુંબઇમાં ઘુસ્યા હતા અને 18 સુરક્ષા જવાનો સહિત 166 લોકોની હત્યા કરી હતી. સાઈઠ કલાક ચાલેલી જવાબી કાર્યવાહીમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા.
આ હુમલામાં આતંકરોધી દળના પ્રમુખ હેમંત કરકરે, સેનાના મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન,મુંબઇના એડિશનલ પોલીસ કમિશનર અશોક કામટે,વરિષ્ઠ પોલીસ નિરિક્ષક વિજય સાલસ્કાર અને સહાયક ઉપ નિરિક્ષક તુકારામ ઓમ્બલે શહીદ થયા હતા. સુરક્ષાદળોએ નવ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. અજમલ કસાબ નામનો એકમાત્ર આતંકવાદી જીવતો પકડાયો હતો, જેને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી.
_Devanshi