છત્તીસગઢના દાંતેવાડા જિલ્લામાં 2 નક્સલીઓ ઠાર મરાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, બીજેપીના ધારાસભ્ય અને 4 સુરક્ષાકર્મીઓની હત્યામાં સંડોવાયેલા 2 નક્સલીઓ ગુરૂવારે પોલીસ સાથેના એક જબરદસ્ત એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે.
ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ સુંદરરાજ પીએ ન્યુઝ એજન્સીને જણાવ્યું કે, વહેલી સવારે 5.30 વાગ્યે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)એ દૌલીકારકા ગામના જંગલોમાં એન્ટિ નક્સલ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં અન્ય એક નક્સલ ઘાયલ પણ થયો છે.
સુંદરરાજ પીએ જણાવ્યું કે જ્યારે પેટ્રોલિંગ ટીમ દૌલીકારકા તરફ જઈ રહી હતી, જે રાજધાની રાયપુરથી 450 કિલોમીટર દૂર છે, ત્યારે અચાનક બંને તરફથી ગોળીબાર શરૂ થઈ ગયો. ગોળીબાર શાંત થયો તે પછી પેટ્રોલિંગ ટીમે બે નક્સલીઓના મૃતદેહો અને 0.315 બોરની ગન સ્થળ પરથી રિકવર કરી હતી.
તેમણે જણાવ્યુ કે માઓવાદીઓનો અન્ય એક સભ્ય પણ સ્થળ ઉપરથી ઘાયલ અવસ્થામાં મળી આવ્યો અને તેને નજીકની લોકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અભિષેક પલ્લવે જણાવ્યું કે, મૃત્યુ પામેલા નક્સલીઓની ઓળખ વર્ગીસ અને લિંગા તરીકે થઈ છે. તેમના જણાવ્યા પ્રમાણે આ બંને નક્સલીઓ 9 એપ્રિલના રોજ થયેલી બીજેપી ધારાસભ્ય ભીમા માંડવી અને તેમના 4 સુરક્ષાકર્મીઓની હત્યામાં સંડોવાયેલા હતા.