Site icon Revoi.in

ભારતીય સેનાની હિમમાનવના નિશાન વાળી ટ્વિટ વાયરલ, 12 કલાકમાં 4400 વખત થઈ શેર, લોકોની મિશ્ર પ્રતિક્રિયા

Social Share

પહેલીવાર ઇન્ડિયન આર્મીએ હિમમાનવના રહસ્યમયી નિશાન મળી આવ્યા હોવાનો દાવો કર્યો છે. ઇન્ડિયન આર્મીના અધિકૃત ટ્વિટર અકાઉન્ટ પરથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. સાથે જ હિમમાનવના નિશાન સાથે જોડાયેલા ઘણા ફોટા પણ શેર કરવામાં આવ્યા છે. પરંતુ, સોશિયલ મીડિયા પર તસવીરો સામે આવ્યા પછી યુઝર્સ તેના પર સવાલ પણ ઉઠાવવા લાગ્યા છે. ઘણા યુઝર્સે લખ્યું છે કે આર્મીએ ત્યાં સુધી આ શેર ન કરવું જોઈએ જ્યાં સુધી એની યોગ્ય રીતે પુષ્ટિ ન થઈ જાય.

‘ધ હિંદુ’ના એક રિપોર્ટ પ્રમાણે, આર્મીના એક સોર્સે કહ્યું છે કે આ દાવો ફિઝિકલ પ્રૂફના આધારે કરવામાં આવ્યો છે. ઘટનાસ્થળની વ્યાખ્યા, તસવીરો અને વીડિયોઝના આધારે યેતિ વિશે આ દાવો કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટમાં આર્મી સોર્સના હવાલાથી એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે 10 દિવસ પહેલા જ જાણકારી આવી હતી, પરંતુ તેને અટકાવવામાં આવી હતી. પરંતુ જ્યારે આર્મીએ જોયું કે જૂની થિયરી અને ફોટાઓમાં સમાનતા છે ત્યારે તેને જાહેર કરવામાં આવ્યા.

આર્મીએ માહિતી જાહેર કર્યા પછી, સોશિયલ મીડિયા પર હિમમાનવના નિશાનના આ ફોટાને ઘણા શેર કરવામાં આવી રહ્યા છે. ફોટોઝને ટ્વિટર પર સેંકડો વખત રિટ્વિટ કરવામાં આવી રહ્યા છે. મકાલુ બેઝ કેમ્પ પાસે જોવામાં આવેલા યેતિના નિશાનના ભારતીય સેનાના દાવા પર ઘણા લોકોએ વ્યંગ કર્યો છે તો કેટલાકે તેના પર પ્રશ્નો ઊભાં કર્યા છે.

ભારતીય સેનાની ટ્વિટ વાયરલ થઈ ગઈ છે. 12 કલાકમાં તેને આશરે 4400 વખત રિટ્વિટ કરવામાં આવી છે. જ્યારે 800થી વધુ લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી છે.

એક યુઝરે લખ્યું કે ખોટી અફવાઓ ન ફેલાવો, પહેલા આ દાવાની પુષ્ટિ કરો. અત્યાર સુધીમાં આવા કેટલાય દાવાઓ વૈજ્ઞાનિકોએ ફગાવી દીધા છે. ઘણા યુઝર્સે એ વાતની નોંધ લીધી છે કે આ ફોટામાં એક જ ફૂટપ્રિન્ટ દેખાય છે તો શું યેતિને એક જ પગ છે?

https://twitter.com/GitaSKapoor/status/1123113334897700864

એક યુઝરે આર્મીની તરફેણ કરતા લખ્યું છે કે શરમની વાત છે કે આપણે આ બાબતે આર્મી પાસે પુરાવા માંગી રહ્યા છીએ. એક યુઝરે લખ્યું, જ્યારે ભારતીય સેના ટ્વિટ કરે તો વિશ્વાસ ન થાય, એ જ વાત પર તમે વિશ્વાસ કરો જ્યારે તેને નેટ જિયો પર દર્શાવવામાં આવે. આ એ જ લોકો છે જેઓ સાંતાક્લોઝમાં માને છે.

એક યુઝરે આર્મીની મજાક કરતા લખ્યું કે એપ્રિલ ફૂલ ડે એક મહિના પહેલા હતો.