ત્રિપુરા સરકારમાં સ્વાસ્થ્યમંત્રી અને બીજેપી નેતા સુદીપ રોય બર્મનને કેબિનેટમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે આ કાર્યવાહી પાર્ટીવિરોધી ગતિવિધિઓના કારણે થઈ છે. રાજ્ય સરકાર તરફથી જાહેર એક નોટિફિકેશનમાં તેમને હટાવવાની જાણકારી આપવામાં આવી છે. સુદીપ રોય બર્મનની પાસે સ્વાસ્થ્ય મંત્રાલય ઉપરાંત, આઇટી, વિજ્ઞાન તેમજ ટેક્નીકલ અને પીડબલ્યુડી મંત્રાલય પણ હતું. હવે આઇટી અને સ્વાસ્થ્ય તેમજ પીડબલ્યુડી મંત્રાલયનું કામકાજ ઉપ મુખ્યમંત્રી જિશ્નૂદેવ વર્મા જોશે.
તમને જણાવી દઈએ કે સુદીપ રોય બર્મન ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી સમીર રંજન બર્મનના પુત્ર છે. સુદીપ રોય બર્મનને ત્રિપુરામાં લોકપ્રિય નેતા તરીકે જોવામાં આવે છે. સુદીપ બે વર્ષ પહેલા જ કોંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થયા હતા. તેમની સાથે કોંગ્રેસના 6 ધારાસભ્યો પણ સામેલ થયા હતા. સુદીપ અત્યારે અગરતલાથી ધારાસભ્ય છે.
ઉલ્લેખનીય છે કે સુદીપે ત્રિપુરામાં બીજેપી-આઇપીએફટી ગઠબંધનને મજબૂત કરવામાં મોટી ભૂમિકા નિભાવી હતી. બીજેપીની આગેવાનીમાં આ ગઠબંધને ત્રિપુરાની સત્તામાં 25 વર્ષોથી રહેલી લેફ્ટ સરકારને ઉખાડી ફેંકી હતી.
પાર્ટી સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે કેટલાક મહિનાઓથી સુદીપે બગાવતનું વલણ અપનાવ્યું હતું અને તે લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા પણ નહોતા ઉતર્યા. એટલે સુધી કે તેઓ અંદરખાને કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા હતા. એપ્રિલના મહિનામાં તેમણે વિરોધ દર્શાવવા માટે સરકાર તરફથી મળેલી સુરક્ષા પણ પાછી આપી દીધી હતી.