Site icon hindi.revoi.in

હંગામા વચ્ચે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ રજૂ, ધ્વનિમત સામે વિપક્ષના વાંધા બાદ થયું વોટિંગ

Social Share

નવી દિલ્હી:  ટ્રિપલ તલાક પર રોક માટે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે શુક્રવારે નવું બિલ લોકસભામાં રજૂ કર્યું છે. તે વખતે સંસદમાં ભારે હંગામો થયો હતો. બિલ પર ધ્વનિમત સામે વિપક્ષના વાંધા બાદ વોટિંગ થયું છે.

લોકસભામાં ફરી એકવાર મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સુરક્ષા વિધેયક- 2019 મુસ્લિમ મહિલા (વિવાહ અધિકારોની રક્ષા) રજૂ થયું છે. ટ્રિપલ તલાક પર રોક સંબંધિત બિલની તરફેણમાં 186 અને વિરોધમાં 74 વોટ પડયા છે. લોકસભામાં પહેલા ધ્વનિમતથી પ્રસ્તાવ પારીત કરાવવાની વાત કહેવામાં આવી હતી. જો કે વિપક્ષે ડિવિઝન કરાવવાની વાત કહી અને તેના પછી વોટિંગ કરાવાયું હતું.

સંસદમાં બેઠકોની ફાળવણી નહીં થઈ હોવાથી ઈલેક્ટ્રોનિક વોટિંગ થઈ શક્યું નથી. તેમાં ચબરખીઓ વહેંચીને વોટિંગ કરાવાયુ છે. જેને કારણે તેના પરિણામ આવવામાં પણ થોડોક વિલંબ થયો છે.

આ પહેલા રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે આપણે સંસદ છીએ, કાયદો બનાવવાનું આપણું કામ છે. અદાલતનું કામ કાયદાના અર્થઘટનનું છે. સંસદને અદાલત બનાવો નહીં.

તેમણે કહ્યુ હતુ કે શાયરા બાનોના કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે માન્યું કે ટ્રિપલ તલાક મનસ્વી છે. આર્ટિકલ – 15(3) કહે છે કે મહિલા અને બાળકો માટે કોઈપણ કાયદો બનાવી શકાય છે.

રવિશંકરે ગૃહને અપીલ કરી હતી કે આજે 70 વર્ષ સુધી આવો કાયદો કેમ બન્યો નથી. આજે પણ મુસ્લિમ મહિલાઓ સાથે આમ થઈ રહ્યું છે. 229 મામલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આવ્યા છે. માટે આને પારીત કરવામાં આવે.

બાદમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ટ્રિપલ તલાક પર વોટિંગ કરાવવાની પ્રક્રિયા શરૂ કરીને રુલ નંબર – 367 એએ પ્રમાણે સદસ્યોને ચબરખીઓ વહેંચવામાં આવી અને તેના દ્વારા બિલ સંદર્ભે વોટિંગ કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસના નેતા શશી થરુર અને એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ બિલનો વિરોધ કર્યો હતો. થરુરે કહ્યુ હતુ કે ટ્રિપલ તલાક બિલ મુસ્લિમ પરિવારોની વિરુદ્ધ છે. તેઓ આ બિલનું સમર્થન કરતા નથી. એક સમુદાયના સ્થાને તમામ માટે કાયદો બનાવવામાં આવે.

રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે ગત વર્ષ ડિસેમ્બરમાં લોકસભામા બિલ પારીત થયું હતું. રાજ્યસભામાં બિલ પેન્ડિંગ હતું. પરંતુ લોકસભા ભંગ થવાને કારણે બિલ સમાપ્ત થઈ ગયું હતું. માટે નવું બિલ લઈને આવ્યા છીએ. આ નવા બિલમાં સુધારા માટે પરિવર્તન ક્રયા છે. જનતાએ અમને કાયદો બનાવવા માટે ચૂંટ્યા છે. ભારતનું પોતાનું એક બંધારણ છે.  કોઈપણ ખવાતીન (મુસ્લિમ મહિલાને) તલાક, તલાક,તલાક બોલીને તેના અધિકારોથી વંચિત કરી શકાય છે.

એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ બિલનો વિરોધ કરતા તેને મુસ્લિમ મહિલાઓના હિતમાં નહીં હોવાનું જણાવ્યું છે.

કેરળના કોલ્લમથી સાંસદ એન. કે. પ્રેમચંદ્રને સબરીમાલા મંદિર વિવાદ પર લોકસભામાં પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યું છે.

મુઝફ્ફરપુરમાં મગજના તાવને લીધે બાળકોના મોતના મામલે બંને ગૃહોમાં હંગામો થયો અને રાજ્યસભામાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

જેડીયુના કે. સી. ત્યાગીએ ક્હ્યુ છે કે ટ્રિપલતલાક બિલના જૂના સ્વરૂપનો અમે વિરોધ કરીએ છીએ. એનડીએની કોઈપણ બેઠકમાં પરસ્પર સંમતિનો કોઈપણ પ્રયાસ ક્યારે કરવામાં આવ્યો નથી. જો જૂના સ્વરૂપમાં જ બિલ હશે તો અમે તેની વિરુદ્ધ વોટિંગ કરીશું.

આ બિલ લોકસભા સ્પીકર ઓમ બિરલા સમક્ષ સંસદમાં બિલ ઈન્ટ્રોડ્યૂસ થયું. વિપક્ષે બિલને રજૂ કરવા મામલે ડિવિઝનની માગણી પણ કરી છે.

ટ્રિપલ તલાક સામેના બિલને ઓવૈસીએ બંધારણ વિરુદ્ધનું ગણાવ્યું છે. તો કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે આ સવાલ સિયાસત કે ઈબાદતો નથી. પરંતુ નારીના ન્યાયનો સવાલ છે. તેમણે કહ્યુ છે કે ભારતના બંધારણમાં કહેવામાં આવ્યું છે કે કોઈની સાથે ભેદભાવ કરી શકાય નહીં. માટે આ બંધારણની વિરુદ્ધ કોઈપણ રીતે નથી, પરંતુ તેમના અધિકારો સાથે જોડાયેલું છે.

ટ્રિપલ તલાક પર પ્રતિબંધ માટે કેન્દ્ર સરકારે શુક્રવારે લોકસભામાં નવું બિલ રજૂ કર્યું છે. મોદી સરકારે પહેલા કાર્યકાળમાં આ બિલને લોકસભામાં પારીત કરાવી લીધું હતું. પરંતુ રાજ્યસભામાં બહુમતી નહીં હોવાને કારણે તે પારીત થઈ શક્યું ન હતું. 12મી જૂને કેબિનેટ મીટિંગ બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે ક્હ્યુ હતુ કે નવું બિલ ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા વટહુકમનું સ્થાન લેશે. જાવડેકરે આશા વ્યક્ત કરી છે કે આ વખતે આ બિલને રાજ્યસભામાં પણ પારીત કરાવી લેવામાં આવશે.

બીજી તરફ રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે દિલ્હીમાં વધતા અપરાધોને લઈને શૂન્યકાળ નોટિસ આપી છે. આરજેડીના મનોજ ઝાએ મુઝફ્ફરપુરમાં મગજના તાવને કારણેબાળકોના મોતને લઈને 24 જૂન માટે ધ્યાનાકર્ષણ પ્રસ્તાવની નોટિસ આપી છે. તો કેરળના કોલ્લમથી સાંસદ એનકે પ્રેમચંદ્રન સબરીમાલા મંદિર વિવાદ પર લોકસભામાં પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરશે. 17મી લોકસભાના પહેલા સત્રમાં કેન્દ્ર સરકાર ટ્રિપલ તલાક સહીતના 10 બિલ રજૂ કરે તેવી શક્યતા છે.

સંસદીય નિયમો પ્રમાણે, જે બિલ સીધા રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે, તે લોકસભા ભંગ થવાની સ્થિતિમાં આપોઆપ સમાપ્ત થઈ જતા નથી. જે બિલ લોકસભામાં રજૂ થાય છે અને રાજ્યસભામાં વિલંબિત રહે છે, તે નીચલા ગૃહ એટલે કે લોકસભાના ભંગ થવાની સ્થિતિમાં આપોઆપ જ સમાપ્ત થઈ જાય છે. ટ્રિપલ તલાક બિલની સાથે પણ આ થયું અને તેના કારણે સરકારને નવું બિલ લાવવું પડયું છે.

લોકસભામાં ટ્રિપલ તલાક પર કાયદાકીય રોકવાળું બિલ ફેબ્રુઆરીમાં પારીત થયું હતું. રાજ્યસભામાં એનડીએ સરકાર પાસે બહુમતી ન હતી. માટે બિલ ત્યાં અટવાયું હતું. હવે સરકાર બજેટ સત્રમાં તેને રજૂ કરવા અને બંને ગૃહોમાંથી પારીત કરાવવાની આશા કરી રહી છે. વટહુકમને પણ કાયદામાં ત્યારે બદલી શકાય છે, જ્યારે સંસદીય સ્ર આરંભ થવાના 45 દિવસની અંદર તેને પારીત કરાવી લેવામાં આવે. નહીંતર વટહુકમની અવધિ સમાપ્ત થઈ જાય છે.

અધ્યાદેશના આધાર પર તૈયાર નવા બિલ પ્રમાણે, આરોપીને પોલીસ જામીન આપી શકતી નથી. મેજિસ્ટ્રેટ પીડિત પત્નીના પક્ષને સાંભળ્યા બાદ વ્યાજબી કારણોના આધારે જામીન આપી શકે છે. તેમને પતિ-પત્નીની વચ્ચે સુલેહ કરાવીને નિકાહ યથાવત રાખવાનો પણ અધિકાર હશે.

આ બિલ પ્રમાણે, કેસનો ચુકાદો આવવા સુધી બાળકોને માતાના સંરક્ષણમાં જ રાખવામાં આવે. આરોપીને તેમનું ભરણપોષણ પણ આપવું પડશે. ટ્રિપલ તલાકનો ગુનો માત્ર ત્યારે ધ્યાન પર લેવાશે જ્યારે પીડિત પત્ની અથવા તેના પરિવાર (પિયર કે સાસરી પક્ષ)ના સદસ્ય એફઆઈઆર નોંધાવે.

Exit mobile version