Site icon hindi.revoi.in

પશ્ચિમ બંગાળ: 24 કલાકમાં TMCને ફરી એક ઝાટકો, વધુ એક MLA ભાજપમાં સામેલ

Social Share

પશ્ચિમ બંગાળની સત્તારૂઢ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને 24 કલાકમાં ફરી એક ઝાટકો મળ્યો છે. પાર્ટીના વધુ એક ધારાસભ્ય મુનિરૂલ ઇસ્લામે આજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીને જોઇન કરી છે. આ સાથે જ ટીએમસીના ગદાધર હાઝરા, મોહમ્મદ આસિફ ઇકબાલ અને નિમાઈ દાસ પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે. બીજેપીનો દાવો છે કે આગામી કેટલાક દિવસોમાં ટીએમસીના 6 બીજા ધારાસભ્યો પણ પાર્ટીમાં સામેલ થઈ શકે છે.

બીજેપીમાં આવેલા મુનિરુલ બીરભૂમ જિલ્લાની લબપુર વિધાનસભાથી ટીએમસીના ધારાસભ્ય છે. જ્યારે ગદાધર હાજરા ટીએમસીના વીરભૂમિ જિલ્લાની જ યુવા વિંગના અધ્યક્ષ છે અને ભૂતકાળમાં ધારાસભ્ય રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે મુકુલ રોયના પુત્ર શુભ્રાંશુ રોય સહિત તૃણમૂલ કોંગ્રેસના 2 ધારાસભ્યો બીજેપીમાં જોડાયા હતા. આ બંને ધારાસભ્યો શીલભદ્ર દત્ત અને સુનીલ સિંહ છે. આ 3 નેતાઓ ઉપરાંત રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી આશરે 50 કાઉન્સિલર્સ પણ દિલ્હી જઇને બીજેપીમાં સામેલ થઈ ગયા હતા. તેમને બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયે પાર્ટીમાં સામેલ કરાવ્યા હતા.

બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે બંગાળની અંદર જે રીતે આતંકનું રાજકારણ ચાલી રહ્યું છે, તેના કારણે પાર્ટીની અંદર ઘણો રોષ છે. દીદીના અહંકારને કારણે ત્યાં કામ કરતા લોકોનો દમ ઘૂંટાઈ રહ્યો છે. એટલે મોટી સંખ્યામાં લોકોનો વિશ્વાસ મોદી પર વધી રહ્યો છે.

Exit mobile version