Site icon hindi.revoi.in

ટાડા કોર્ટમાં 30 વર્ષ બાદ સુનાવણી, મુખ્ય આરોપી જેકેએલએફના ચીફ યાસિન મલિકને રજૂ થવા આદેશ

Social Share

ભારતીય વાયુસેનાના ચાર જવાનોની હત્યાના મામલામાં આજે ત્રીસ વર્ષ બાદ જમ્મુની ટાડા કોર્ટમાં સુનાવણી થઈ છે. આ મામલામાં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ અને આતંકવાદીમાંથી ભાગલાવાદી નેતા બનેલો યાસિન મલિક મુખ્ય આરોપી છે. તિહાડ જેલમાં બંધ યાસિન મલિકને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો નથી. ન્યાયાધીશે તિહાડ જેલ પ્રશાસનને નોટિસ મોકલી છે કે તે 1 ઓક્ટોબરે યાસિન મલિકને કોર્ટમાં રજૂ કરવા માટે તાકીદ કરે. પ્રોડક્શન વોરંટ ફરીથી જાહેર કરવામાં આવ્યું છે.

બુધવારે થયેલી સુનાવણીમાં માત્ર એક આરોપી અલી મોહમ્મદ મીર અદાલતમાં હાજર હતો. બાકીના આરોપીઓ ગેરહાજર હતા. મહત્વપૂર્ણ છે કે 1990માં ભારતીય વાયુસેનાના ચાર જવાનોની હત્યા કરવામાં આવી હતી. કોર્ટે આ મામલામાં યાસિન મલિકની વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું હતું. યાસિન મલિક હાલ ટેરર ફંડિંગ મામલામાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.

25 જાન્યુઆરી, 1990ના રોજ યાસિન મલિકના નેતૃત્વમાં જેકેએલએફના આતંકવાદીઓએ શ્રીનગરના બહારી વિસ્તારમાં વાયુસેનાના જવાનો પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ જવાનો પર એ વખતે ગોળીઓ ચલાવી હતી, કે જ્યારે તેઓ બસની રાહ જોઈ રહ્યા હતા. આતંકી હુમલામાં સ્ક્વોર્ડન લીડર રવિ ખન્ના સહીત વાયુસેનાના ચાર જવાનોના જીવ ગયા હતા અને આ હુમલામાં છ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ મામલાની તપાસ સીબીઆઈએ કરી હતી. 1990માં જમ્મુની ટાડા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી સીબીઆઈની ચાર્જશીટમાં યાસિન મલિક મુખ્ય આરોપી હતો. જો કે યાસિન મલિક વિરુદ્દ મામલાને 1995માં જમ્મુથી અજમેર સ્થાનાંતરીત કરવામાં આવ્યો હતો. બાદમાં જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટે તેને 1998માં જમ્મુ ટાડા કોર્ટમાં સ્થાનાંતરીત કર્યો હતો.

યાસિન મલિકે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટની શ્રીનગર વિંગની સમક્ષ એક નવી અરજી દાખલ કરી હતી. જેમાં મામલાની સુનાવણી શ્રીનગરમાં સ્થાનાંતરીત કરવાની માગણી કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટની શ્રીનગર વિંગના સ્થગન આદેશને કારણે મામલામાં કાર્યવાહી ફરીથી અટકી ગઈ છે.

જો કે મોદી સરકારને સત્તામાં આવ્યા બાદ સીબીઆઈ હરકતમાં આવી છે. સીબીઆઈના વકીલ મોનિકા કોહલીએ યાસિન મલિકની અરજીનો વિરોધ કર્યો છે અને જમ્મુની ટાડા કોર્ટમાં મામલાને ફરીથી શરૂ કરવાની માગણી કરી છે. હાઈકોર્ટની જમ્મુ વિંગે યાસિન મલિકની અરજીને નામંજૂર કરી છે.

Exit mobile version