કાનપુર: યુપીના કાનપુરમાં રુમા ગામની નજીક શુક્રવારે મોડી રાત્રે એક વાગ્યે ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. દિલ્હી આવી રહેલી પૂર્વા એક્સ્પરેસના 12 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. દુર્ઘટનામાં 20 લોકોને ઈજાઓ પહોંચ્યાના અહેવાલ છે. જો કે રેલવે મુજબ, કોઈપણ પ્રવાસીની હાલત ગંભીર નથી. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરીનું અભિયાન હાથ ધરાયું હતું. દુર્ઘટનાગ્રસ્ત થયેલી પૂર્વ એક્સપ્રેસ ટ્રેન ક્રમાંક – 12303 હાવડાથી નવી દિલ્હી આવી રહી હતી.
પૂર્વા એક્સપ્રેસમાં સવાર 900 પ્રવાસીઓને લઈને સ્પેશયલ ટ્રેન કાનપુરથી દિલ્હી માટે રવાના કરી દેવામાં આવી છે. દુર્ઘટનાના કારણે આ રુટ પર ચાલનારી 11 ટ્રેનોને આજ માટે રદ્દ કરવામાં આવી છે.
હાવડા-નવી દિલ્હી પૂર્વા એક્સપ્રેસ કાનપુર પહોંચવાની હતી. પરંતુ તેના પહેલા જ રુમા પાસે ટ્રેનના બાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેમા 10 પ્રવાસી કોચ, એક પેન્ટ્રીકાર અને એક પાવર કાર સામેલ છે. તેમા ચાર કોચ ટ્રેક નજીક પલટી ગયા હતા. કપલિંગ તૂટવાને કારણે દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. રાહતની વાત એ છે કે દુર્ઘટનામાં તમામ મુસાફર સુરક્ષિત છે. લગભગ વીસ પ્રવાસીઓના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ છે. રેલવે તરફથી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.
દુર્ઘટનાની જાણકારી મળતા ઉતાવળમાં પોલીસ અને વહીવટી તંત્રના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા અને ઘાયલોને બોગીમાંથી કાઢીને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરીને તાબડતોબ કરવામાં આવી છે. પ્રવાસીઓને કાનપુરથી દિલ્હી લઈ જવા માટે એક વધારાની ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ અલ્હાહબાદ-કાનપુર રુટને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. 11 ટ્રેનોને રદ્દ પણ કરવામાં આવી છે.
કાનપુર મંડલના ડીઆરએમ અમિતાભ ટ્રેન દુર્ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પોતાની ટીમ સાથે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. તેમણે જણાવ્યુ છે કે અમે તમામ પ્રવાસીઓને કાનપુર સેન્ટ્રલના પ્લેટફોર્મ નંબર-1 પરથી એક સ્પેશ્યલ ટ્રેનથી દિલ્હી રવાના કરી રહ્યા છીએ. હાલ હાવડા-દિલ્હી રુટને ડાઉન કરી દેવામાં આવ્યો છે. તેના ચોવીસ કલાકમાં ચાલુ થઈ જવાની આશા છે. દુર્ઘટનાની તપાસ કરવામાં આવશે. દુર્ઘટનાના કારણો પર હાલ કંઈ કરી શકાય તેમ નથી.
કાનપુરના ડીએમ વિજય વિશ્વાસ પંત પ્રમાણે, દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઘટનાસ્થળે રાહત-બચાવ કામગીરી કરાઈ છે. વીસ પ્રવાસીઓ ઘાયલ હોવાનું જણાવાયું છે. ઘાયલોને હેલેટ, ઉર્સલા અને કાંશીરામ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેની સાથે આસપાસની ખાનગી હોસ્પિટલોને પણ સૂચિત કરવામાં આવી છે.
ડીએમ પંતે કહ્યુ છે કે પ્રવાસીઓને કાનપુર સેન્ટ્રલ સુધી લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરાઈ રહી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે તેઓ કાનપુરથી દિલ્હી જનારા પ્રવાસીઓ માટે એક ટ્રેનની વ્યવસ્થા કરી રહ્યા છે. કાનપુર-અલ્હાબાદથી બચાવ ટુકડીઓ દુર્ઘટનાસ્થળે પહોંચી ચુકી છે અને રાહત-બચાવ કામગીરી કરવામાં આવી છે.
ભારતીય રેલવેએ પ્રવાસીઓની મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. આ નંબર (033) 26402241, 26402242, 26402243, 26413660 છે. રેલવેએ દીનદયાલ ઉપાધ્યાય જંક્શન પર હેલ્પલાઈન કેન્દ્ર બનાવ્યું છે. તેના નંબર 05412 253232, 02773678 છે.