દુનિયાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર ચડવાનું સપનું દરેક વ્યક્તિ જોતી હોય છે અને કેટલાક લોકો તેને પૂરું કરવા માટે જોશ અને ઉત્સાહની સાથે તમામ કામ છોડીને નીકળી પડે છે. તે સમય જુદો હતો જ્યારે ફક્ત 1-2 લોકો જ એવરેસ્ટના શિખર પર ધ્વજ લહેરાવવામાં સફળ થઈ શકતા હતા. પરંતુ, હવે માઉન્ટ એવરેસ્ટ ફતેહ કરનારા લોકોની સંખ્યા ઘણી વધી ગઈ છે. પરિસ્થિતિ એ છે કે માઉન્ટ એવરેસ્ટના રસ્તા પર પર્વતારોહીઓને લાંબી લાઇન લગાવવી પડે છે, જેથી તેઓ રસ્તો પાર કરી શકે.
પરિસ્થિતિ એ છે કે અનેક કલાકો સુધી લોકોને લાઇનમાં ઊભા રહેવું પડે છે, જે પછી પણ તેઓ 4થી 5 ડગલાં જ ચાલી શકે છે. ઊંચા પર્વતો પર અનેક કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાને કારણે પર્વતારોહીઓની તબિયત ખરાબ થઈ રહી છે. ગુરૂવારે અહીંયા જે 3 લોકોનાં મોત થયા, તેમાંથી 2 ભારતીય અને એક ઓસ્ટ્રેલિયન છે. બુધવારે જે બે મોત થયાં તેમાં એક ભારતીય અને એક અમેરિકન છે.
જે બે ભારતીયોનું ગુરૂવારે મોત થયું છે, તેમાંથી કલ્પના દાસ (52) અને નિહાલ બાગવાન (27) છે. તેમનું મોત શિખર પરથી નીચે આવવા દરમિયાન થયું. 12 કલાક સુધી ભીડમાં ઊભા રહેવાને કારણે બાગવાનનું મોત થયું. જ્યારે શેરપા ગાઇડ તેમને નીચે કેમ્પ ચારમાં લઇને આવ્યા ત્યારે તેમનું મોત થઈ ચૂક્યું હતું.
માઉન્ટ એવરેસ્ટ પર એકસાછે આટલી ભીડ પહોંચવાની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તેને ગાંડપણ કહી રહ્યા છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે માઉન્ટ એવરેસ્ટ પર ચડવા માટે એક નવો નિયમ બનાવવામાં આવવો જોઈએ. જેથી ત્યાં પહોંચી તો શકાય અને પ્રાકૃતિક સંસાધનોને કોઈ નુકસાન ન થાય.