1. Home
  2. revoinews
  3. અમદાવાદના ચાઈના માર્કેટના વેપારીઓની દેશદાઝ, હવે વેચાણ માટે નહીં ખરીદે ચાઈનીઝ મોબાઈલ
અમદાવાદના ચાઈના માર્કેટના વેપારીઓની દેશદાઝ, હવે વેચાણ માટે નહીં ખરીદે ચાઈનીઝ મોબાઈલ

અમદાવાદના ચાઈના માર્કેટના વેપારીઓની દેશદાઝ, હવે વેચાણ માટે નહીં ખરીદે ચાઈનીઝ મોબાઈલ

0
  • ચાઈનીઝ વસ્તુઓ પર વેપારીઓએ મુક્યો પ્રતિબંધ
  • અમદાવાદના ચાઈના માર્કેટનો નિર્ણય
  • નુકસાન ભોગવવા થયાં તૈયાર, દેશ પ્રથમ

અમદાવાદઃ સીમા ઉપર ચીનની સેનાએ કરેલા હુમલામાં 20 જેટલા ભારતીય જવાનો શહીદ થતા દેશવાસીઓમાં રોષ ફેલાયો છે. ત્યારે અમદાવાદમાં ચાઈના માર્કેટ તરીકે જાણીતા કોમ્પલેક્સના વેપારીઓએ દેશના વેપારીઓને નવી રાહ દેખાડી છે. અમદાવાદના વેપારીઓએ ચાઈનાની કંપનીના મોબાઈલ ફોન અને સ્પેર પાર્ટસ નહીં ખરીદવાનો નિર્ણય લીધો છે. આર્થિક રીતે નુકસાન સહન કરીને દેશને વધારે મહત્વ આપતા આ વેપારીઓએ લોકો ચાઈનાના મોબાઈલ ન ખરીદે તે માટે તેના ભાવમાં પણ વધારો કરી દીધો છે.

અમદાવાદના રિલીફ રોડ ઉપર ચાઈનાના મોબાઈલ ફોન માટે જાણીતા આ કોમ્પલેક્સને ચાઈના માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ અહીં મોટાભાગની ચાઈનીઝ કંપનીના મોબાઈલ ફોનનું વેચાણ કરવામાં આવે છે. જો કે, ભારતીય જવાનો શહીદ થતા આ કોમ્પલેક્ષના વેપારીઓમાં પણ ચીનની સામે રોષ ફેલાયો છે. તેમજ કોમ્પ્લેક્સની તમામ દુકાનો પરથી ચીનની જાણીતી મોબાઈલ કંપનીના બોર્ડ અને પોસ્ટર પણ ઉતારી લેવાયાં છે. એટલું જ નહીં એક દુકાનદારે તો દુકાનનું નામ મેડ ઈન ઈન્ડિયા કરી નાખ્યું છે.

વેપારીઓ પાસે ચાર મહિના ચાલે એટલો ચાઈનીઝ કંપનીનો માલ પડ્યો છે. પરંતુ લોકોને ચાઈનીઝ મોબાઈલ ફોનની ખરીદી કરતા અટકાવવા માટે ચીનની કંપનીના મોબાઈલના ભાવમાં પણ વધારો કર્યો છે. તેમજ વેપારીઓ અલગ અલગ વેબસાઇટ પર સેલર બનીને સ્ટોક ખાલી કરી રહ્યા છે. એટલું જ નહીં હવે ચાઈનીઝ વસ્તુઓની ખરીદી કરીને વેચાણ નહીં કરવાનો પણ વેપારીઓએ નિર્ણય લીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે તાજેતરમાં જ 59 જેટલી ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત વિવિધ સેકટરમાં કામ કરતી ચાઈનીઝ કંપનીઓ સામે પણ લાલઆંખ કરી છે. બીજી તરફ દેશભરમાં ચાઈનીઝ પ્રોડક્ટનો વિરોધ થઈ રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.