યોગગુરૂ બાબા રામદેવે વધતી જનસંખ્યાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકારને કાયદો બનાવવાની સલાહ આપી છે. તેમનું સૂચન છે કે ત્રીજું બાળક થવા પર તે બાળકને વોટ કરવાનો અધિકાર ન મળવો જોઈએ. રામદેવે દેશની વધતી જતી વસ્તી પર ચિંતા દર્શાવતા કહ્યું કે સરકારે તેને લઇને કડક કાયદો બનાવવો જોઇએ. તેમણે આખા દેશમાં ગૌહત્યા અટકાવવા માટે પગલાં ભરવાની પણ માંગ કરી છે.
હરિદ્વારમાં એક કાર્યક્રમમાં રામદેવે કહ્યું, ‘આપણી જનસંખ્યા કોઈપણ હાલતમાં 150 કરોડથી વધુ ન હોવી જોઈએ. આપણે આનાથી વધારે જનસંખ્યા માટે તૈયાર નથી. આ ત્યારે જ સંભવ થઈ શકે જ્યારે એક કાયદો બનાવીને તેના પર રોક લગાવવામાં આવે. ત્રીજા બાળકને વોટ આપવાનો અધિકાર ન હોય, તેવા લોકોના ચૂંટણી લડવા પર પણ રોક લગાવવામાં આવવી જોઈએ.’
રામદેવે કહ્યું કે ભારતને જનસંખ્યા નિયંત્રણ પર કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું, ‘ત્રીજા બાળક માટે એવો નિયમ બનાવવામાં આવે કે તે ન તો ચૂંટણી લડી શકે અને ન તેને અન્ય સરકારી સુવિધાઓ મળે. એવા લોકોને મતદાનનો અધિકાર પણ ન મળવો જોઇએ.’ રામદેવે રવિવારે હરિદ્વારમાં કહ્યું કે આગામી 50 વર્ષોમાં દેશની વસ્તી 150 કરોડથી વધુ ન હોવી જોઈએ. આપણે તેનાથી વધુ સહન ન કરી શકીએ.
તેમણે આખા દેશમાં ગૌહત્યા પર રોક લગાવવાની પણ માંગ કરી. કહ્યું કે ગાયના તસ્કરો અને ગૌરક્ષકો વચ્ચેના સંઘર્ષને રોકવાનો આ જ એક રસ્તો છે. રામદેવે કહ્યું કે કોઈપણ સ્થિતિમાં ભારતની જનસંખ્યા 150 કરોડથી વધારે ન હોવી જોઈએ. ભારત આ માટે તૈયાર નથી. જોકે, માનવામાં આવી રહ્યું છે કે તેમના આ નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયાઓ પણ આવી શકે છે.