Site icon Revoi.in

પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતાની હત્યા, ભાજપ પર આરોપ લગાવાયો

Social Share

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી વખતે થયેલી હિંસા હજીપણ થંભવાનું નામ લઈ રહી નથી. ઉત્તર 24 પરગણામાં તાજેતરના ઘટનાક્રમમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાની ગોળી મારીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. આ ટીએમસી નેતાનું નામ નિર્મલ કુંડૂ છે.

કુંડૂના પરિવારના સદસ્યોએ કહ્યુ છે કે દ્વિચક્રી વાહનથી આવેલા ત્રણ લોકોએ કુંડૂ પર ગોળી ચલાવી હતી. તેને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ટીએમસીએ આ ઘટના માટે ભાજપ પર આરોપ લગાવ્યો છે.

કાર્યકર્તાઓનું કહેવું છે કે જ્યારે મંગળવારે બર્ધવાન વિસ્તારમાં પણ ભાજપની જીત બાદ મિઠાઈ વહેંચવામાં આવી રહી હતી, ત્યારે બંને પાર્ટીઓના કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો હતો. તેના પછી ઘણી દુકાનો અને મકાનોમાં આગ લગાવી દેવામાં આવી હતી. જેના કારણે ટીએમસીના કાર્યકર્તાઓ ભાજપને જવાબદાર ઠેરવી રહ્યા છે.

લોકસભા ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં વ્યાપક હિંસા થઈ હતી. પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં ચૂંટણી દરમિયાન ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ ઘણી વખત આમને-સામને આવ્યા હતા. ભાજપે જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન થયેલી હિંસામાં 50થી વધારે કાર્યકર્તાઓ માર્યા ગયા હતા. ટીએમસીનો આરોપ છે કે ભાજપના કાર્યકર્તા તેમના કાર્યકર્તાઓને નિશાન બનાવી રહ્યા છે.