- હવે ભારતીય વાયુસેના બનશે વધુ તાકાતવર
- વધુ ત્રણ રાફેલ લડાકુ વિમાન પહોંચશે ભારત
- 59,000 કરોડમાં 36 રાફેલ વિમાન ખરીદવા માટેના કરાર
દિલ્લી: હાલ ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારત થોડું પણ જતુ કરવા તૈયાર નથી.. તો બીજી બાજુ ફ્રાન્સથી લડાકુ વિમાન રફાલ પણ ભારતને મળી રહ્યા છે જે ભારતીય સેનાને વધારે મજબૂત કરશે. ભારતીય સેનામાં કેટલાક રફાલ વિમાન તો સામેલ કરવામાં આવી ચુક્યા છે અને હવે ભારતીય વાયુસેનાને વધુ તાકાતવર બનાવવા માટે બુધવારે વધુ ત્રણ રાફેલ લડાકુ વિમાન ભારત પહોંચી રહ્યા છે. આ વિમાનના આગમન સાથે એરફોર્સની તાકાતમાં વધારો થશે અને દુશ્મનોને જંગના મેદાનમાં મ્હાત આપવામાં મદદ મળશે.
મળતી માહિતી મુજબ ફ્રાંસથી ઉડાન ભર્યા બાદ ત્રણેય રાફેલ વિમાન રસ્તામાં અટક્યા વિના ભારત પહોંચશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ફ્રાંસ એરબેઝથી ગુજરાતના જામનગર સુધીની લાંબી ઉડાન દરમિયાન ફ્રાંસીસ એરફોર્સના હવામાં ઇંધણ ભરનારા વિમાન પણ સાથે રહેશે.
પાંચ રાફેલ વિમાનોનો પ્રથમ કાફલો 28 જુલાઇના રોજ ભારત પહોંચ્યો હતો. આ કાફલાએ ફ્રાંસથી ઉડાન ભર્યા બાદ સંયુક્ત અરબ અમીરાતમાં હોલ્ટ કર્યો હતો. ભારતે ફ્રાંસ પાસેથી 59,000 કરોડ રૂપિયામાં 36 રાફેલ વિમાન ખરીદવા માટે કરાર કર્યો છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ ભારત પોતાની વાયુસેનાને મજબૂત અને સર્વશ્રેષ્ઠ કરવા માટે આગામી સમયમાં વધારે રફાલ વિમાન પણ ખરીદી શકે છે. હાલ ચીન દ્વારા જોવા મળતા ખતરાને લઈને ભારત કોઈ પણ પ્રકાની બાંધછોડ કરવાના મૂડમાં નથી અને આગામી સમયમાં દેશની જરૂરીયાત પ્રમાણે રફાલ સીવાય વધારે હથિયારોની ખરીદી પણ કરી શકે છે.
અવિશ્વાસુ ચીન અને પાકિસ્તાનના કારણે ભારત સતત હથિયારોની રેસમાં દોડવુ પડી રહ્યું છે અને ભારત વિશ્વના સૌથી વધારે હથિયારોની ખરીદી કરતા દેશમાનો એક દેશ છે.
_Devanshi