અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. ડેમની જળસપાટી 130.85 મીટર પહોંચી છે. બીજી તરફ વીજ મથક પણ શરૂ કરવામાં આવ્યું છે. વીજ મથક શરૂ થતા નર્મદા નદીમાં 40 હજાર ક્યુસેક પાણી ઠલવવામાં આવ્યું છે. જેથી નર્મદા નદી પણ બે કાંઠે વહેતી થઈ છે.
સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે નવા નીરની આવક થતા 24 કલાકમાં જળસપાટીમાં 80 સેન્ટિમીટરનો વધારો થયો છે. બીજી તરફ વીજ મથક પણ શરૂ કરવામાં આવ્યું છે. 1200 મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ શરૂ કરાયા છે. આ ઉપરાંત CHUનું 1 ટર્બાઇન પણ શરૂ કરવામાં આવ્યું છે. વીજ મથકો ચાલતા નર્મદા નદીમા 40,657 ક્યુસેક પાણી ઠલવાતા નદી બે કાંઠે થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમમાં હાલ 73 ટકાથી વધારે જળસંગ્રહ છે. તેમજ હજુ પણ નવા નીરની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં નવા પાણીની આવકને પગલે રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા નહી થાય.