Site icon hindi.revoi.in

વિચાર વલોણું: સમાજની સુગંધ – સકારાત્મક સત્ય ઘટનાઓનો શબ્દગુચ્છ.’

Social Share

– દધીચિ ઠાકર

આજે આખું વિશ્વ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે તેવા સમયે આપણે શારીરિક તો ખરી જ પણ માનસિક સ્વસ્થતા જાળવી રાખવાની છે.
આપણે જેવું વિચારીએ છીએ તેવું જ આપણને ફળ પ્રાપ્ત થાય છે. કેટલાંક સંશોધનોના નિષ્કર્ષ પરથી સ્પષ્ટ થયું છે કે, આપણી વિચારસરણીની આપણી કાર્યક્ષમતા પર અસર પડે છે. જો આપણે આખા દિવસ દરમિયાન મોટા ભાગે નકારાત્મક વાત કરીએ તો ધીરે ધીરે આપણી વિચારસરણી પણ નકારાત્મક બનવા લાગે અને આખી દુનિયા આપણને ખરાબ જ લાગે. જો આપણે એવો સંકલ્પ કરીએ કે આજે આખા દિવસ દરમિયાન સારું જ વિચારીશું તો ચોક્કસ આપણો આખો દિવસ સારો જશે.

આ પ્રક્રિયા આપણા જીવનમાં સ્થિર થાય તે માટે આપણે સકારાત્મક અને પ્રેરણાદાયી પ્રસંગો અને ચરિત્રોનું વાંચન કરવું જ જોઈએ. આ વિષયમાં ઘણું કામ થયું છે પણ જેમના પ્રયત્નો અને હૃદયસ્પર્શી લખાણ એક આગવી ભાત પાડે છે તેવા લેખક – પત્રકાર – વકતા અને સંપાદક શ્રી રમેશભાઈ તન્નાનું પ્રદાન નોંધપાત્ર છે. તેમણે જોયેલી અને જાણેલી સમાજની હકારાત્મક ઘટનાઓને શબ્દદેહ આપી, શક્ય બનેતો સાથે જે તે પ્રતિભાનો ફોટોગ્રાફ્સ પણ મૂકી અને તેમના સંપર્ક નંબર સાથે આખો લેખ તેઓ ફેસબૂક પર રજૂ કરતાં હોય છે. આ શ્રેણીમાં સર્વપ્રથમ ‘સમાજનું અજવાળું’, ‘સમાજની સુગંધ’ અને હમણાં જ ‘ સમાજની સંવેદના’ નામક પુસ્તકો આલેખ્યા છે અને તેને સૌએ ખૂબજ પ્રેમથી આવકાર્યા છે. આ શૃંખલાનું બીજું પુસ્તક એટલે – ‘સમાજની સુગંધ.’

આ પુસ્તકમાં તેમણે 80 જેટલી પોઝિટિવ સ્ટોરી તસવીર સાથે મૂકી છે. આ પુસ્તકની સ્પર્શે તેવી વાત એ છે કે આમાં કોઈ પણ પ્રકારનો જાતિભેદ, વર્ણભેદ, ઊંચ – નીચ જોવા નથી મળતો.

જે તે વ્યક્તિની સારી બાબત કે સદગુણ હોય તેને કેન્દ્રમાં રાખી આ સ્ટોરી લખાઈ છે.

આમાં પર્યાવરણ પ્રેમ, શિક્ષણ ,કળા,પત્રકારત્વ, તબીબીસેવા, ધર્મ, વિજ્ઞાન, સમાજસેવા વગેરે જેવા અલગ અલગ વિષયના શ્રેષ્ઠીઓની વાત કરવામાં આવી છે. આ પુસ્તક વાંચ્યા પછી આપને અન્ય બે પુસ્તકો પણ વાંચવાની ઈચ્છા થશે તેની મને ખાતરી છે. ‘ સમાજની સુગંધ’ નામક આ પુસ્તક જાણીતા કલાકાર અને જીવનને મસ્તીથી જીવતાં જિંદાદિલ માણસ અર્ચન ત્રિવેદીને અર્પણ કર્યું છે.

નાનપણમાં એક પંક્તિ વાંચી હતી તે આજે યાદ આવે છે ,
‘ સારા માણસો શોધવા જઈશું તો થાકી જઈશું પણ,
દરેકના માં રહેલું સારું જોઈશું, તો ફાવી જઈશું. ‘

આમ, આપણે પણ આ પ્રેરણાદાયી પુસ્તક વાંચી દરેકના જીવનમાંથી સદગુણો અને સદવિચારોને ઓળખતાં, સમજતાં તેમજ આપણાં જીવનમાં તે ઉતારવા માટે પ્રયત્નશીલ બનીએ. આવા રૂડા વિચાર માટે અવિરત જેઓ મથામણ કરી રહ્યા છે તેવા આ પુસ્તકના લેખક સ્નેહીશ્રી રમેશભાઈ તન્નાને અનેક અનેક અભિનંદન અને પરમકૃપાળુ પરમાત્માના ચરણે પ્રાર્થના કે તેમને આવી પ્રવૃતિઓ કરવાનું બળ આપે.

(પુસ્તકનું નામ – સમાજની સુગંધ
લેખક – રમેશ તન્ના
મૂલ્ય : ₹ 300/-
પ્રથમ આવૃત્તિ : 2019 ; પૃષ્ઠ – 304
પ્રાપ્તિ સ્થાન : – રા પોઝિટિવ મીડિયા પ્રા.લિ.
302, યશ એકવા, મેકડોનાલ્ડસની ઉપર, વિજય ચાર રસ્તા, નવરંગપુરા અમદાવાદ – 380009)

Exit mobile version