Site icon hindi.revoi.in

સંસદ શરૂ થતા પહેલા પીએમ મોદીની વિપક્ષને હાકલ, સંખ્યાની ચિંતા છોડો, જનતાના મુદ્દા ઉઠાવો

Social Share

નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળના પહેલા સંસદીય સત્રની શરૂઆત આજથી થઈ રહી છે. 17 જૂને શરૂ થઈ રહેલું સંસદીયસત્ર 26 જુલાઈ સુધી ચાલશે. જેમાં બજેટ પણ રજૂ કરવામાં આવશે. સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધિત કર્યું હતું.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે વિપક્ષ સંખ્યાની ચિંતા છોડી દે, અમારા માટે તેમની ભાવના મૂલ્યવાન છે. સંસદમાં આપણે પક્ષ-વિપક્ષને છોડીને નિષ્પક્ષની જેમ કામ કરીએ. પીએમ મોદીએ કહ્યુ છે કે અમને આશા છે કે આ વખતે ગૃહમાં વધારે કામ થશે.

પીએમ મોદીએ કહ્યુ છે કે જ્યારે ગૃહ ચાલ્યું છે, તો દેશહિતના નિર્ણય સારા થયા છે. આશા કરું છું કે તમામ પક્ષ સાથે આવે, લોકશાહીમાં વિપક્ષનું સક્રિય થવું જરૂરી છે.

પીએમ મોદીએ કહ્યુ છે કે ચૂંટણી બાદ નવી લોકસભાની રચના બાદ આજે પ્રથમ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. અનેક નવા સાથીદારોના પરિચયનો અવસર છે. નવા સાથીદારો સાથે નવો ઉમંગ, ઉત્સાહ અને સપના પણ જોડાયેલા છે. આઝાદી બાદ સૌથી મોટું મતદાન થયું, મહિલાઓએ ઉત્સાહજનક રીતે વોટિંગ કર્યું. ઘણાં દશક બાદ એક સરકારને ફરીથી બહુમતી મળી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે તર્કની સાથે સરકારની ટીકા કરવી લોકશાહીને બળ પ્રદાન કરે છે, તેનાથી ગૃહમાં સકારાત્મક પરિણામો જોવા મળશે.

સોમવારે મોદી સરકાર 2.0નાં પહેલા બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. આ વખતે ભાજપ-એનડીઓ વધુ મોટી સંખ્યામાં લોકસભામાં છે. તેવામાં તેમની સામે ઘણાં અટવાયેલા બિલોને પારીત કરાવવાનો પડકાર પણ છે. સોમવારે જ્યારે સત્રની શરૂઆત થશે, તો શરૂઆતના બે દિવસોમાં નવા સાંસદોને શપથ અપાવવામાં આવશે. આ શપથ પ્રોટેમ સ્પીકર વિરેન્દ્ર કુમાર અપાવશે. બાદમાં  લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી પણ થશે.

સંસદીય સત્રની શરૂઆતથી પહેલા સરકાર તરફથી સર્વપક્ષીય બેઠક પણ બોલાવવામાં આવી હતી. તે વખતે સરકારે ઘણાં મહત્વપૂર્ણ બિલોને પારીત કરવા માટે વિપક્ષનો સહયોગ માંગ્યો હતો. મહત્વપૂર્ણ છે કે સરકારની નજર ટ્રિપલ તલાક બિલ જેવા વિધેયકોને પારીત કરાવવા પર છે.

મહત્વપૂર્ણ છે કે આ વખતની લોકસભા ગત ઘણી લોકસભાથી અલગ છે. આ વખતે લાલકૃષ્ણ અડવાણી અને સુષ્મા સ્વરાજ લોકસભામાં નથી. જો કે આ વખતે પહેલીવાર લોકસભામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની ચૂંટાઈને આવ્યા છે.

Exit mobile version