Site icon hindi.revoi.in

કલમ-370: એક તીરથી ઘણાં નિશાન, હવે કાશ્મીરમાં થશે આ મોટા પરિવર્તનો

Social Share

કાશ્મીરને લઈને મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. સોમવારે ગૃહપ્રધાન અમિત શાહે ગૃહમાં અનુચ્છેદ-370 હટાવવાનો સંકલ્પ ગૃહમાં રજૂ કર્યો છે. તેમણે કહ્યુ છે કે કાશ્મીરમાં લાગુ કલમ-370માં માત્ર ખંડ-1 રહેશે, બાકીની જોગવાઈઓને હટાવવામાં આવશે.

આ સિવાય નવી જોગવાઈમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠનનો પ્રસ્તાવ પણ સામેલ છે. તેના પ્રમાણે જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ હશે અને લડાખ તેનાથી અલગ કરી દેવામાં આવ્યું છે. લડાખને પણ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. જો કે ત્યાં વિધાનસભા નહીં હોય.

હવે કાશ્મીરમાં લાગી શકશે રાષ્ટ્રપતિશાસન

જમ્મુ-કાશ્મીર રાજ્યમાં બંધારણની કલમ-370 લાગુ હતી. તેના કારણે રાષ્ટ્રપતિ પાસે રાજ્ય સરકારને બરખાસ્ત કરવાનો અધિકાર ન હતો. એટલે કે ત્યાં રાષ્ટ્રપતિ શાસન નહીં, પણ રાજ્યપાલ શાસન લગાવ્યું હતું. હવે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકશે.

નાણાંકીય કટોકટી લાગુ થઈ શકશે

ભારતીય બંધારણની કલમ-360 હેઠળ દેશમાં નાણાંકીય કટોકટી લાગુ કરવાની જોગવાઈ છે. તે પણ જમ્મુ-કાશ્મીર પર લાગુ થતી નથી. હવે અહીં નાણાંકીય કટોકટી લાગુ થઈ શકશે.

પાંચ વર્ષનો રહેશે વિધાનસભાનો કાર્યકાળ

જમ્મુ-કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ છ વર્ષનો હતો. જ્યારે ભારતના અન્ય રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. અનુચ્છેદ-370 હટયા બાદ અહીં પણ વિધાનસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો હશે.

હવે મળશે કાશ્મીરમાં અનામત

બંધારણમાં વર્ણિત રાજ્યના નીતિ નિદેશક તત્વ પણ અહીં લાગુ થતા ન હતા. તેની સાથે જ કાશ્મીરમાં લઘુમતીઓને અનામત મળતું ન હતું. ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યુ છે કે આ બિલ હેઠળ જમ્મુ-કાશ્મીરમાં આર્થિકપણે પછાત વર્ગને 10 ટકા અનામત આપવામાં આવશે.

સમાપ્ત થશે બેવડી નાગરિકતા

અહીં નાગરિકોની પાસે બેવડી નાગરીકતા હોય છે. તેના સિવાય જમ્મુ-કાશ્મીરમાં અલગ ધ્વજ અને અલગ બંધારણ ચાલતું હતું. તે પણ હવે સમાપ્ત થશે.

આરટીઆઈ કાયદો લાગુ થઈ શકશે

સંસદમાં પાસ થયેલા કાયદા જમ્મુ-કાસ્મીરમાં તાત્કાલિક લાગુ થઈ શકતા ન હતા. શિક્ષણનો અધિકાર, માહિતીનો અધિકાર, મની લોન્ડ્રિંગ વિરોધી કાયદો, બ્લેકમની વિરોધી કાયદો અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદો કાશ્મીરમાં લાગુ થતો ન હતો. પરંતુ હવે તેને લાગુ કરી શકાશે.

લડાખ કેન્દ્રશાસિત પ્રદેશ

નવી જોગવાઈમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠનનો પ્રસ્તાવ સામેલ છે. લડાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ અહીં વિધાનસભા નહીં હોય. રિપોર્ટ પ્રમાણે, જમ્મુ-કાશ્મીરને અલગથી કેન્દ્રશાશિત પ્રદેશનો દરજ્જો મળ્યો છે. અહીં દેશની રાજધાની દિલ્હીની જેમ વિધાનસભા હશે. અહીં હવે રાજ્યપાલના સ્થાને ઉપરાજ્યપાલની નિયુક્તિ થશે અને રાજ્ય સરકાર પાસે મર્યાદીત અધિકાર હશે.

Exit mobile version