Site icon hindi.revoi.in

અમેરિકાએ 18 વર્ષ “ફીફાં ખાંડયા”, અફઘાનિસ્તાન પર તોળાતો “તાલિબાન કાળ”

Social Share

હાર્ટ ઓફ એશિયામાં લાગેલી હિંસાની આગ હજી સમી નથી. રાખ નીચે ધધકતા અંગારા હજી પણ દઝાડી રહ્યા છે. અહીં અમેરિકા ગત 18 વર્ષથી આતંક સામેનું યુદ્ધ કરી રહ્યુ છે. પરંતુ તેની પરિણિતિ આતંકનું તંત્ર ચલાવનારાઓ સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાતચીતની તૈયારીમાં આવી છે. અફઘાનિસ્તાન એક નાજૂક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેના દક્ષિણ એશિયામાં પાકિસ્તાન, ભારત સહીતના દેશોમાં મોટા પ્રભાવો પડવાના છે. અમેરિકાની સેનાઓ તાલિબાનોને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં અથવા તો હરાવવામાં સફળ રહી નથી. અફઘાનિસ્તાનનો અંદાજે 50 ટકા ભાગ તાલિબાનો હજીપણ નિયંત્રિત કરી રહ્યા છે. જો કે તાલિબાનોને સૌથી વધુ મદદ પાકિસ્તાની સેના અને આઈએસઆઈએ કરી છે. આ પાકિસ્તાની સેના અને આઈએસઆઈને કારણે અફઘાનિસ્તાનમાં અમેરિકા 18 વર્ષોથી ફસાયેલું રહ્યું છે. પરંતુ તેમ છતાં પાકિસ્તાન તાલિબાનોને વાતચીતના મેજ પર લાવવા માટે રાજી કરવાનો ડોળ કરી રહ્યું છે. આ ગાજર લટકાવેલું છે, ત્યારે અમેરિકાએ પણ પાકિસ્તાન સામે કાશ્મીરનું ગાજર લટકાવ્યું છે.

તાલિબાનો સાથે વાટાઘાટોના કાઉન્ટડાઉન વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે વખત કાશ્મીરમાં મધ્યસ્થી થવાની તૈયારી અલગ-અલગ રીતે દર્શાવી છે.  જો કે ભારતે સ્પષ્ટતા કરી છે કે આ મામલો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો છે. વાતચીત થશે, ત્યારે પાકિસ્તાન સાથે જ વાતચીત થશે. આમા પાકિસ્તાન સાથે વાતચીતમાં આતંકવાદ બંધ કરવાની શરત પણ ઘણાં સમયથી લાગુ છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેનાની વાપસીને વટાવવાની કોશિશ ટ્રમ્પ દ્વારા થવાની છે અને તેની તૈયારીના ભાગરૂપે ટ્રમ્પ પણ તાલિબાનો સાથે શાંતિ કરારો દ્વારા અમેરિકાની સેનાની વાપસી માટે તલપાપડ છે.

જાણકારો પ્રમાણે અમેરિકા અને તાલિબાનો વચ્ચે વાતચીત ચાલુ છે અને બંને પક્ષો વચ્ચે ખૂબ ઝડપથી એક કરાર થવાની સંભાવના છે. તેના પછી અમેરિકાના સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી વાપસીની શક્યતા છે. અમેરિકાના હારના ઘણાં કારણો છે, પરંતુ મુખ્ય કારણ તો પાકિસ્તાન અને તાલિબાન પ્રત્યે અમેરિકાની કરોડરજ્જૂ વગરની ઢીલી નીતિ છે. 9/11ના ન્યૂયોર્ક હુમલાના પહેલા અને પછીની સ્થિતિનું સિંહાવલોકન કરીશું,તો અમેરિકાની હારનું મુખ્ય કારણ સામે આવી જશે.

અલકાયદાનો પ્રમુખ ઓસામા બિન લાદેન 1996માં અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરમાં આવ્યો હતો, ત્યાં તાલિબાનના તત્કાલિન ચીફ મુલ્લા ઉમર સાથે તેની ઘનિષ્ઠતા બંધાઈ હતી. લાદેને અહીં અમેરિકાના હિતો પર હુમલા શરૂ કર્યા હતા. અમેરિકાને તાલિબાનો સાથે કોઈ વેર હતું નહીં. પરંતુ અલકાયદાને આશ્રય આપવો તેને નાપસંદ પડયું હતું. અમેરિકાના કૂટનીતિજ્ઞો દ્વારા મુલ્લા ઉમરને ઓસામાનો સાથ છોડવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ મુલ્લા ઉમરે આને હંમેશા નજરઅંદાજ કર્યું હતું. 9/11ના હુમલાએ આમા રહી સહી કસર પુરી કરી દીધી હતી. આ હુમલા બાદ અફઘાનિસ્તાન પર અમેરિકાએ હુમલો કર્યો હતો.

નોર્ધન એલાયન્સની સેનાઓની મદદથી અમેરિકાએ તાલિબાનોને સત્તામાંથી ભગાડયા હતા. પરંતુ તેમને પાકિસ્તાનમાં આશ્રય મળી ગયો હતો. કેટલાક વર્ષોમાં તાલિબાનોએ પાકિસ્તાનની મદદથી શક્તિ પ્રાપ્ત કરી લીધી અને અફઘાનિસ્તાનમાં ઘૂસી અમેરિકાની સેનાને આંખો દેખાડવા માંડી. અમેરિકાની સેનાને પાકિસ્તાનમાં પ્રવેશની મંજૂરી મળી નહીં અને તેથી તાલિબાનોની શક્તિ વધતી ગઈ અને 18 વર્ષોના યુદ્ધમાં તાલિબોએ 2500થી વધારે અમેરિકન સૈનિકોને ઠાર માલર્યા હતા. અફઘાનિસ્તાનમાં અમેરિકા 10 ખરબ ડોલરની અઢળક કહી શકાય તેવો ખર્ચ કરી ચુક્યું છે. આમ એક રીતે જોવો તો એક સપ્તાહમાં એક કરોડને મારીને અફઘાનિસ્તાન યુદ્ધ જીતવાની શેખી મારતા ટ્રમ્પના શાસન હેઠળના અમેરિકાએ તાલિબાન અને તેના આકા પાકિસ્તાન સામે એક રીતે ઘૂંટણિયા ટેકવી દીધા છે.

અમેરિકા અને તાલિબાન વચ્ચે ગત વર્ષ ઓક્ટોબરમાં થયેલી વાતચીતમાં ચાર મુખ્ય બાબતો હતી.

  1. તાલિબાનોની માગણી છે કે અમેરિકાની સેના અફઘાનિસ્તાનમાંથી પાછી જાય.
  2. અમેરિકા ચાહે છે કે કોઈપણ સંજોગોમાં કોઈપણ આંતરરાષ્ટ્રીય આંતકી જૂથને અફઘાનિસ્તાનમાં પગદંડો જમાવા દેવાય નહીં.
  3. યુદ્ધવિરામ
  4. શાંતિની વાટાઘાટો માટે અફઘાન સરકાર અને તાલિબાનો વચ્ચે પ્રત્યક્ષ વાતચીત શરૂ થાય.

માનવામાં આવે છે કે તાલિબાન આના માટે સંમત છે કે તેઓ અફઘાનિસ્તાનમાં અમેરિકાના હિતોને નુકસાન પહોંચાડનારા આતંકી જૂથોને ફાલવા દેશે નહીં. પરંતુ અમેરિકાની સેનાની વાપસી પર હજીપણ મામલો ફસાયેલો છે. તાલિબાન અમેરિકાની સેનાની ઝડપી રવાનગી ઈચ્છે છે, પરંતુ અમેરિકા તેના માટે એક વર્ષનો સમય ઈચ્છે છે. આશા કરવામાં આવે છે કે આના પર પણ જલ્દીથી સંમતિ સધાઈ જવાની શક્યતા છે.

તાલિબાને અફઘાનિસ્તાનમાં અમેરિકાની ઈન્ટેલિજન્સ પ્રેઝન્સ માટે તૈયાર થઈ ગયા છે. આના દ્વારા અમેરિકા અફઘાનિસ્તાનમાં પોતાના હિતો વિરુદ્ધ કામ નહીં થતું હોવાની જાણકારી મેળવશે. પરંતુ યુદ્ધવિરામનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. તેના કારણે તેઓ અફઘાન સરકારના સૈન્ય દળોને સતત નિશાન બનાવી રહ્યા છે. તેનાથી અફઘાનિસ્તાનના લોકો નિરાશ છે. તાલિબાન અફઘાનિસ્તાનની નેશનલ યુનિટી ગવર્નમેન્ટને માનવા માટે પણ તૈયાર નથી. તેમના પ્રમાણે આ સરકાર અમેરિકાની કઠપૂતળ છે અને અફઘાનોનું યોગ્ય પ્રતિનિધિત્વ કરતી નથી. સ્થિતિ એવી છે કે તાલિબાન અને અફઘાનિસ્તાનના રાજકીય નેતાઓ અને સિવિલ સોસાયટીના લોકો વચ્ચે રશિયા અને કતરમાં તાજેતરાં વાતચીત થઈ હતી. તેમા અફઘાનિસ્તાનની સરકારના પ્રધાન પોતાની હોદ્દાની હેસિયતથી નહીં, અંગત હેસિયતથી સામેલ થયા હતા. આ મામલો અફઘાનિસ્તાનમાં અમેરિકાની ઘોર નિષ્ફળતાને પ્રતિબિંબિત કરે છે અને સ્થાનિક સરકારની નબળાઈ પણ દર્શાવે છે. આમ હાલ તો મોટાભાગના પત્તા તાલિબાનોના જ હાથમાં છે.

જો કે તાલિબાનોને સારી રીતે જાણકારી છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય અને અફઘાનિસ્તાનના બિનપખ્તૂન વંશીય સમૂહો તેમના સિદ્ધાંતો સાથે સારોકાર ધરાવતા નથી. 2004માં અફઘાનિસ્તાનનું નવું બંધારણ ઉદાર ઈસ્લામ અને જૂની સ્થાનિક પરંપરાઓ પર આધારીત બનાવવામાં આવ્યું હતું. આ બંધારણ પ્રમાણે અફઘાનિસ્તાનમાં એક નવી પેઢી સામે આવી છે, જેમને તાલિબાનોના કટ્ટર વિચાર માન્ય નથી. હવે જોવાનું એ છે કે તાલિબાન અને અફઘાનિસ્તાનની અન્ય રાજકીય અને સામાજિક શક્તિઓ પરસ્પર સહયોગ કરીને નવી શાસન પ્રણાલી પર કેટલા અને કેવી રીતે સંમત થાય છે.

ભારતના અફઘાનિસ્તાન સાથે વ્યૂહાત્મક, રાજકીય અને આર્થિક હિતો જોડાયેલા છે. ભારત ચાહે છે કે અફઘાનિસ્તાન એક પ્રગતિશીલ દેશ બને અને મધ્ય તથા દક્ષિણ એશિયા વચ્ચે પુલનું કામ કરે. તેનાથી આખા ક્ષેત્રને લાભ થશે. પરંતુ પાકિસ્તાને હંમેશા અફઘાનિસ્તાન દ્વારા ભારતના હિતોને નુકસાન પહોંચાડયું છે. આવા સંજોગોમાં અફઘાનિસ્તાનમાં બદલાતી પરિસ્થિતિ વચ્ચે તાલિબાનો કોઈને કોઈ રીતે શાસનના હિસ્સેદાર હશે, તો તેવી સ્થિતિમાં ભારતે મજબૂતાઈથી પોતાના હિતોની સુરક્ષા કરવી પડશે. તેના માટે ભારતે અફઘાન સરકાર અને તમામ સ્થાનિક રાજકીય પક્ષો અને જૂથો સાથે પોતાના સંપર્કો બનાવી રાખવા પડશે. ભારતે તાલિબાનો સાથે હજી સુધી ઔપચારીક સંપર્ક સાધ્યો નથી. તેનું કારણ તાલિબાનોની વિચારધારા અને પાકિસ્તાન સાથેના તેના સંબંધો છે. પરંતુ બદલાતા સમયમાં કૂટનીતિક તકાજો પણ છે કે તાલિબાનો સાથે પણ વાતચીતના દ્વાર ખુલ્લા રાખવા જોઈએ. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે ભારત પોતાના સિદ્ધાંતાની સાથે બાંધછોડ કરે, તાલિબાના સિદ્ધાંતોને માન્યતા આપે અથવા અફઘાનિસ્તાનની સરકાર સાથેના સંબંધો નબળા કરે. પરંતુ જૂનો સિદ્ધાંત જ અહીં કામ કરશે કે રાષ્ટ્રીય હિત હંમેશા સ્થાયી હોય છે, દોસ્ત અને દુશ્મનો તો બદલાતા રહે છે.

Exit mobile version