Site icon hindi.revoi.in

સંગીતનો “આઠમો સ્વર”..!! સ્વરરત્ન ! ભારતરત્ન એમ.એસ.સુબ્બુલક્ષ્મીજી…!!

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

  – પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા

ભૃર્તહરિ લિખિત નીતિશતકનાં આ સંસ્કૃત શ્લોકમાં  આપણે “માણસ” થઇને કેવી રીતે જીવાય એની ખૂબ સુંદર અને સચોટ વાત કરી છે . શ્લોકનો સરળ અર્થ એવો છે કે ‘સાહિત્ય, સંગીત અને કલાથી વિમુખ વ્યક્તિ પશુ સમાન છે. આપણું સદ્ભાગ્ય છે કે આપણે સૌ હિંદુભૂમિ પર જન્મ લેનારા ભાગ્યશાળીઓ છીએ કે જ્યાં સાહિત્યકારો, સંગીત અને કોઈપણ ક્ષેત્રની કલાની આરાધના કરનારા આરાધકોએ આપણી ભારતીય સંસ્કૃતિ અને કલા સાધનાની સુવાસને પ્રસરાવી. સદીઓથી  આપણો દેશ સાહિત્યરત્નો ,સંગીતરત્નો અને કલારત્નોથી વિશ્વફલક પર  ઝળહળે છે .

આજે 16 સપ્ટેમ્બરનો દિવસ સમગ્ર ભારત અને વિશ્વમાં વસતા સંગીતરસિકજનો માટે ખાસ દિવસ .કારણ આપણા ભારતીય શાસ્ત્રીય સંગીતને વૈશ્વિક બનાવનારા સ્વરતપસ્વીનિ ભારત રત્ન એમ.એસ સુબુલક્ષ્મીજીનો જન્મ દિવસ એમણે પોતાની અદભુત ગાયકી સાથે આજીવન આપણા દેશમાં અને વિશ્વમાં ભારતીય સંગીતના સ્વરઅજવાળા પાથર્યા ! મદુરાઈ એમનું જન્મસ્થળ દક્ષિણભારતના દેવદાસી પ્રતિષ્ઠિત પરિવારમાં તેમનો જન્મ અને સંગીત એમના વારસાનો વૈભવ. બાળપણમાં જ તેમના માતા પાસે કર્ણાટકી સંગીત શીખવાના શ્રી ગણેશ કર્યા. આમ એમના પ્રથમ ગુરુ એમના માતા જ બન્યા ત્યારબાદ પંડિત નારાયણરાવ વ્યાસ પાસે હિન્દુસ્તાની સંગીતમાં ઉચ્ચતમ શિક્ષા મેળવી. શ્રેષ્ઠ અને સાચું શિક્ષણ બાળપણમાં માતાપિતાના ખોળેથી અને પરિવારના સંસ્કાર સિંચનથી જ મળે છે . તેમના માતા કાયમ દેવદાસી સમુદાય દ્વારા આયોજિત સાંગીતિક કાર્યક્રમોમાં પ્રસ્તુતિ આપતા. સુબ્બુલક્ષ્મી જી નો જન્મ અને ઉછેર આવા સંગીતમય વાતાવરણમાં થયો અને માત્ર દસ વર્ષની ઉંમરે શરુ થઇ તેમની સંગીતયાત્રા.

માત્ર ૧૦  વર્ષની ઉંમરે તેમનું પહેલું સંગીત રચનાઓનું રેકોર્ડિંગ બહાર પડ્યું ૧૧ વર્ષની ઉંમરે સંગીતનો પ્રથમ જાહેર કાર્યક્રમ આપ્યો ૧૩ વર્ષની ઉંમરે મદ્રાસ સંગીત અકાદમી દ્વારા આયોજિત કાર્યક્રમમાં હિંદુભજનો ગાઈને શ્રોતાઓને ભક્તિરસ તરબોળ કર્યા. આમ નાની જ ઉંમરમાં પોતાના સંગીત અને સતત રિયાઝથી કેળવાયેલા અવાજ ના કારણે તેઓ કર્ણાટકનો જાણીતો સુરીલો અવાજ બન્યા. એમના કર્ણાટકી સંગીતને ખીલવવા માટે એમના ગુરુજી સોમગુડ્ડી  શ્રીનિવાસન ઐયરનું યોગદાન પણ અમૂલ્ય રહ્યું. ૧૯૩૬ ની સાલમાં સુબ્બુલક્ષ્મીજી મદ્રાસ જે હાલ ચેન્નાઇ તરીકે જાણીતું છે ત્યાં આવીને વસ્યા ને એમણે ૧૯૩૮ માં “સેવાસદન” નામની સુંદર ફિલ્મમાં પોતાની અભિનયકલા પણ રજૂ કરી. આ સિવાય એમણે “સાવિત્રી” નામની ફિલ્મ માં નારદજીનું પુરુષપાત્ર ભજવ્યું અને ૧૯૪૫ માં રજૂ થયેલી તેમની “મીરા” ફિલ્મ સૌથી યાદગાર રહી જેમાં મીરાંનો સ્વરભક્તિસભર તેમનો અભિનય આજે પણ જૂની ફિલ્મોના રસિકોમાં ભૂલાયો નથી. આમ સંગીત અને અભિનય તેમના જીવનનાં અભિન્ન અંગો રહ્યા. દેશમાં તેમનો સ્વરવૈભવ પથરાતો રહ્યો આમ તેઓ ભારતીય કલાસંસ્કૃતિના સ્વરદૂત બન્યાં. યુનાઇટેડ નેશન્સની સભામાં પોતાના કંઠેથી વહેતા સ્વરોનો જાદુ પાથરનારા  સર્વપ્રથમ ભારતીય મહિલા બન્યાં આમ ભારતીય શાસ્ત્રીય સંગીતને નવી દિશાઓ આપી. સ્વરચિત ભજનોથી દેશને વૈશ્વિક ગૌરવ અપાવ્યું ૧૯૬૩માં એડિનબર્ગ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ , ૧૯૮૨ માં રોયલ આલ્બર્ટ હોલ – લંડન , ૧૯૮૭ માં ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા મોસ્કોમાં કાર્યક્રમો આપીને એમણે પોતાની તથા રાષ્ટ્રની કીર્તિ વધારી.

તેમની આજીવન સંગીતયાત્રા માટે આપણાં દેશમાં સુબ્બુલક્ષ્મીજી ને વર્ષ ૧૯૫૪ માં પદ્મભૂષણ , ૧૯૬૬ માં સંગીત નાટક અકાદમી એવોર્ડ , ૧૯૬૮ માં કલાનિધિ એવોર્ડ , ૧૯૭૫ માં પદ્મવિભૂષણ , ૧૯૮૮માં  કાલિદાસ સન્માન , ૧૯૯૦માં સંગીત દ્વારા રાષ્ટ્રીય એકતા માટે ઇન્દિરા ગાંધી નેશનલ એવોર્ડ જેવા શ્રેષ્ઠ સન્માનો મળ્યા આટલું જ નહિ આંતરરાષ્ટ્રીય કક્ષાએ એશિયાના નોબલ પ્રાઈઝ તરીકે જેની ગણના થાય છે એવો રોમન મેગ્સેસ એવોર્ડ પણ તેમની અદ્વિતીય સંગીતપ્રતિભાને કારણે તેમને મળ્યો. અને ૧૯૯૮ માં આપણાં દેશનું સર્વાધિક સન્માન “ભારત રત્ન ” તેમને આપવામાં આવ્યું સાથે સાથે આપણાં દેશના નામાંકિત મહાનુભાવો અવારનવાર તેમને શબ્દગુચ્છો સાથે નવાજતા રહ્યા જેમાં પંડિત નહેરુજી , લતા મંગેશકરે તેમને “તપસ્વીની” નું બિરુદ આપ્યું, ઉસ્તાદ બડે ગુલામઅલીજી એ “સુસ્વરલક્ષ્મી” , સરોજિની નાયડુએ ” Nightingale of India” જેવા સુંદર શબ્દોથી સંબોધ્યા. પ્રખ્યાત સંગીત સામ્રાજ્ઞિ કિશોરીજી આમોનકરે તો એમ જણાવ્યું કે  “સુબ્બુલક્ષ્મીજી સંગીતના સાત સૂરોથી ઉપરનો એક  “આઠમો”  સ્વર છે..!!” સુબ્બુલક્ષ્મીજી ના સંગીતના કાર્યક્રમો સદાય દેશના સ્મરણપટ ઉપર અવિસ્મરણીય છે. આવા કાર્યક્રમોમાં એક સુંદર પ્રસંગ મળ્યો સુબ્બુલક્ષ્મીજીના સંગીતના કાર્યક્રમમાં એક વાર મહાત્મા ગાંધીજી ઉપસ્થિત હતાં અને એ કાર્યક્રમમાં ગાંધીજીએ સુબ્બુલક્ષ્મીજી ને એમ કહ્યું કે ” હરિ તુમ હરો જન કી ભીડ ” આ ભજન જો તમે ગાવાની જગ્યા એ ખાલી બોલી પણ જશો તો પણ આ ભજન બીજા કોઈ પણ ભજન કે ગીત કરતા વધારે સુરીલું મને લાગશે…!!!” સુબ્બુલક્ષ્મીજીનું આખું જીવન સરસ્વતીજી ની સ્વરવંદના માટે સમર્પિત રહ્યું . એમના પ્રખ્યાત ભજનો સ્તુતિઓ  ” ભજ ગોવિંદમ” , વિષ્ણુસહસ્ત્રનામ   , શ્રી વેંકટેશ્વર જપ આજે પણ હિંદહૃદયમાં એમના સુરીલા આવાજમાં સચવાયેલા છે. એમ એસ સુબ્બુલક્ષ્મીજી નાં નામ માં જ લક્ષ્મીજીનો વાસ છે પણ એમની આજીવન સ્વરસાધના એ સરસ્વતીજી ને પ્રસન્ન કર્યા આજના એમના જન્મપર્વે એમની સ્વરસભર ચેતના ને સ્મરીએ …પ્રણમીએ …!!

Exit mobile version