- અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશમાં 43 પુલો નિર્મિત
- આ 43 નિર્મિત પુલોને રક્ષા મંત્રી રાજનાથ સિંહ રાષ્ટ્રને સમર્પિત કરશે
- તે સશસ્ત્ર દળોના સૈનિકો અને હથિયારોને અવરજવરમાં કરશે મદદ
દિલ્લી: દેશના અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મૂ કાશ્મીરના સરહદી વિસ્તારોમાં નિર્મિત 43 પુલોને રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે રાષ્ટ્રને સમર્પિત કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 43 પુલોમાં લદ્દાખના પણ સાત પુલ સામેલ છે, જે વ્યૂહાત્મક રીતે અગત્યના છે અને તે સશસ્ત્ર દળોના સૈનિકો અને હથિયારોને અવર-જવરમાં મદદ કરશે.
પ્રાપ્ત વિગતો અનુસાર રક્ષા મંત્રી સાત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુલોનું ઉદ્વાટન એક ઓનલાઇન કાર્યક્રમમાં કરશે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિર્મિત આ પુલોનું ઉદ્વાટન એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે ગતિરોધ ઉત્પન્ન છે.
આ પુલોમાંથી 10 જમ્મૂ કાશ્મીરમાં, બે હિમાચલ પ્રદેશમાં, આઠ-આઠ ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ અને ચાર-ચાર સિક્કિમ અને પંજાબમાં સ્થિત છે. રાજનાથ સિંહ અરુણાચલ પ્રદેશમાં તવાંગ જનારા એક અગત્યાના રોડ પર નેચિકૂ સુરંગની પણ આધારશિલા રાખશે.
મહત્વનું છે કે આ પુલોની મદદથી લાઇન ઓફ કન્ટ્રોલ અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈનિકોની તૈનાતીમાં સરળતા મળશે, સાથોસાથ સરહદ પર તૈનાત સૈનિકોની મદદ માટે હથિયાર અને અન્ય સામગ્રી સરળતાથી પહોંચાડી શકાશે.
(સંકેત)