Site icon hindi.revoi.in

નવા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સામેના પડકાર, નહીં ચાલી શકે જૂની પેઢીના હથિયાર-યુદ્ધવિમાન

Social Share

નવી દિલ્હી: આમા કોઈ શંકા નથી કે એનડીએ સરકારના પ્રથમ તબક્કામાં બે સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક જેવા પગલાથી સંરક્ષણ ક્ષેત્ર અને ખુદ તત્કાલિન સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણની પ્રતિષ્ઠા વધી છે. પરંતુ ડિફેન્સ સેક્ટરમાં હજી પણ શસ્ત્રસરંજામની અછત અને બજેટમાં ઘટાડા જેવા પડકારો સામે ઝઝૂમવું પડે છે.

રાજનાથસિંહને મોદી સરકારના બીજા કાર્યકાળમાં સંરક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યા છે. નવા સંરક્ષણ પ્રધાન સામે સૌથી મોટો પડકાર સૈન્યના ઝડપી આધુનિકીકરણનો હશે, કારણ કે આપણી સેનાઓના ઘણાં જૂના હથિયારો અને તાબૂદ ગણાતા મિગ શ્રેણીના વિમાનોથી કામ ચલાવવું પડી રહ્યું છે.

ભારતીય વાયુસેનાએ પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા મટે 126 યુદ્ધવિમાનોની ખરીદી કરવાની જરૂરિયાત હતી. પરંતુ 36 રફાલ યુદ્ધવિમાન માટે જ સોદો થયો છે અને તેમા પણ હજી આપૂર્તિમાં સમય લાગશે. નૌસેનાની જવાબદારીઓ પણ ઘણી વધી ગઈ છે અને તેને પણ પોતાના બેડાના વિસ્તરણ કરવાની જરૂર છે. ભારતીય નેવીને બ્લૂ વોટર નેવીમાં ફેરવવાની પણ એક રણનીતિક જરૂરિયાતની ખાસી ચર્ચા છે. પરંતુ આની રાહ પર ચાલતા ભારતીય નૌસેનાએ ઘણા સાજોસામાનની જરૂરિયાત પુરી કરવી છે. સેનાને આધુનિક રાઈફલો અને તોપોની જરૂરત છે. ચીન અને પાકિસ્તાનથી ભારતને જેવી રીતે વ્યૂહાત્મક પડકારો મળી રહ્યા છે, તેમાં જૂના હથિયારોથી સેના દુશ્મનોનો મુકાબલો કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે. વળી ટુ ફ્રન્ટ વોરના જોખમની પણ ચીન-પાકિસ્તાનની જુગલબંધીને કારણે ઘણી ચર્ચા થઈ રહી છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સેનાના આધુનિકીકરણ માટે બેવડા મોરચા પર કામ કરવું પડશે. સૌથી પહેલા ડિફેન્સ બજેટને વધારવની જરૂરત છે. સંરક્ષણ બજેટ જો જીડીપીના પ્રમાણમાં જોવામાં આવે, તો અત્યાર સુધી સૌથી ઓછું માત્ર 1.4 ટકા છે, જ્યારે ભારત દુનિયાનું બીજું સૌથી મોટું શસ્ત્રોનું આયાતકાર છે. પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ભારતને લંબિત સંરક્ષણ સોદા ઝડપથી પુરા કરવા, નવા સંરક્ષણ સોદા કરવાની સાથે જ સ્વદેશી સ્તર પર પણ સંરક્ષણ શસ્ત્રસરંજામનું ઉત્પાદન વધારવું પડશે. આશા છે કે એનડીએ પ્રથમ સરકાર દ્વારા મેક ઈન ઈન્ડિયા હેઠળ કરવામાં આવતી કોશિશોથી આમા કેટલીક મદદ મળશે.

મોદી સરકારે ટોચના ડિફેન્સ માળખામાં કેટલાક પરિવર્તનની પ્રક્રિયા શરૂ કરી હતી. સંગઠનોના માળખામાં પરિવર્તન કરીને વિભિન્ન મંત્રાલયોમાં સમન્વય વધારવાની કોશિશ થઈ રહી છે. તેના કારણે નિર્ણય પ્રક્રિયામાં એનએસએની ભૂમિકા વધી ગઈ છે.

સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે સેનાની પુનર્રચનાનો પ્રસ્તાવ મૂક્યો છે. સંરક્ષણ મંત્રાલયે તેને મંજૂર કરવાનો છે અને તેના નેતૃત્વમાં જ આ કામ આગળ વધારવું પડશે. તેના સિવાય ત્રણેય સૈન્ય પાંખોમાં એકીકરણ વધારવું અને સૈન્ય અભિયાનોમાં સંયુક્તપણે કામ કરવામાં સરળતા પણ લાવવી જરૂરી છે. આનાથી સેના પ્રભાવી થશે અને નવા પ્રકારના પડકારોનો સામનો કરી શકશે.

Exit mobile version