Site icon Revoi.in

એશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા પાંચ દેશોના મૂળભૂત આંકડાના લેખા-જોખા દ્વારા વિકાસનો હિસાબ

Social Share

એશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા પાંચ દેશો છે. જેમાં ચીન, ભારત, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. ચીનની વસ્તી 139.5 કરોડ, ભારતની વસ્તી 133.4 કરોડ, ઈન્ડોનેશિયાની વસ્તી 26.4 કરોડ, પાકિસ્તાનની વસ્તી 20.1 કરોડ અને બાંગ્લાદેશની વસ્તી 16.5 કરોડ છે. 2018માં આખી દુનિયાની વસ્તી 7.46 અબજ હતી અને તેની દ્રષ્ટિએ એશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા આ પાંચ દેશોની વસ્તી વિશ્વની કુલ વસ્તીના 45 ટકા જેટલી છે. જેમાં ચીનનું યોગદાન 18.7 ટકા અને ભારતનું યોગદાન 17.8 ટકા છે.

આ દેશોમાં પ્રતિ વ્યક્તિ જીડીપીને 1980 અને 2018ના સંદર્ભમાં જોઈએ તો રસપ્રદ બાબતો સામે આવી રહી છે. આ દ્રષ્ટિએ 1980માં ઈન્ડોનેશિયા સૌથી વધુ સમૃદ્ધ અથવા સૌથી ઓછો ગરીબ દેશ હતો, જ્યારે પાકિસ્તાન બીજા, ચીન ત્રીજા, ભારત ચોથા અને બાંગ્લાદેશ પાંચમા સ્થાન પર હતું.

પરંતુ 2018માં પ્રતિ વ્યક્તિ જીડીપીની તસવીર બદલાય ચુકી હતી. ચીનમાં લગભગ 35 વર્ષોથી સતત આઠ ટકાના દરથી પ્રતિ વ્યક્તિ વાસ્તવિક જીડીપીના વધવાથી પ્રતિ વ્યક્તિ આવકદરમાં 30 ટકા વધારા સાથે અંદાજે 10 હજાર ડોલરે આવક પહોંચી હતી. આ આંકડો બીજા સ્થાને રહેલા ઈન્ડોનેશિયાથી અઢી ગણો અને આખરી સ્થાન પર રહેલા પાકિસ્તાનથી છ ગણો વધારે છે. આ અસામાન્ય વૃદ્ધિનું કારણ એ નથી કે બાકીના ચારેય દેશોનો વિકાસદર સ્થિર બનેલો રહ્યો. તે વખતે તેમની પ્રતિ વ્યક્તિ જીડીપી વૃદ્ધિ પણ 1980ના મુકાબલે ચારથી આઠ ગણી વધી છે. ચીન જેવા વિશાળ અને મોટી વસ્તીવાળા દેશની વિસ્ફોટક વૃદ્ધિ ઐતિહાસિકપણે અસાધારણ અન અભૂતપૂર્વ રહી છે.

આ પાંચેય દેશોએ 38 વર્ષોમાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પોતાની હિસ્સેદારી કેવી રીતે વધારી તેને પણ આંકડાના આયનામાં જોવાની કોશિશ કરીએ. તો 1980માં તેમની ભાગીદારી માત્ર 5.8 ટકા હતી. પરંતુ 2018માં તે 21 ટકાના સમ્માનજનક સ્તર પર પહોંચી ગઈછે. જો ખરીદ શક્તિની સમાનતાના સંદર્ભમાં ગણતરી કરવામાં આવે, તો તે હિસ્સેદારી 30 ટકાના ખુશનુમા સ્તર પર પહોંચી જશે. પરંતુ તેમ છતાં અહીં ચીનનો દબદબો છે. વૈશ્વિક અથવ્યવસ્થામાં 16 ટકાની હિસ્સાદારી સાથે ચીન પ્રથમ સ્થાને છે અને બીજા સ્થાને રહેલા ભારત કરતા તે પાંચ ગણી વધારે છે. જો આ યાદીમાંથી ચીનને બહાર કરી દેવામાં આવે, તો ચાર એશિયન દેશોની વૈશ્વિક જીડીપીમાં ભાગીદારી 1980ના 3.1 ટકાના મુકાબલે મામૂલી વધારા સાથે 2018માં 5.1 ટકાએ જ પહોંચી શકી છે. આ 38 વર્ષોમાંથી મોટાભાગનો સમય વૈશ્વિક અર્થવ્યવસ્થા અને તેન સહભાગી દેશોને આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને મૂડી પ્રવાહમાં થયેલા ઉદારીકરણથી લાભ થઈ રહ્યો હતો.

1980ના ત્રણ સૌથી વધુ ગરીબ દેશો- ચીન, ભારત અને બાંગ્લાદેશની જીડીપીમાં વસ્તુઓ અને સેવાઓની નિકાસની દ્રષ્ટિએ થયેલા ઉચ્ચ વૃદ્ધિદરને રેખાંકીત કરી શકાય છે. ઈન્ડોનેશિયા અને પાકિસ્તાનની નિકાસમાં હિસ્સેદારીના ઘટવાનું મોટું કારણ ઓઈલ નિકાસમાં ઘટાડો અને ખરાબ નીતિઓનું અમલીકરણ રહ્યું છે. તેનું પરિણામ એ થયું છે કે ચીન, ભારત અને બાંગ્લાદેશે વૈશ્વિક વસ્તુઓના નિકાસમાં પોતાની ભાગીદારી વધારી દીધી છે. ચીનનો હિસ્સો 1980ના માત્ર 1 ટકાથી વધીને 2017માં લગભગ 13 ટકા સુધી પહોંચી ચુક્યો હતો. તે સમય સુધી ચીન દુનિયાનો સૌથી મોટો નિકાસકાર દેશ બની ચુક્યો હતો. તે દરમિયાન વૈશ્વિક વસ્તુ નિકાસમાં ભારતની ભાગીદારી 0.4 ટકાથી ચાર ગણા વધારા સાથે 1.7 ટકા થઈ ગઈ હતી. પરંતુ તેમ છતાં તે 2018માં ચીનની હિસ્સેદારીનો આઠમો ભાગ જ છે.

રોજગાર પરિદ્રશ્ય અને માનવ વિકાસના સંદર્ભે 1990-2018 દરમિયાન મહિલા શ્રમશક્તિ ભાગીદારી દર (એફએલએફપીઆર) પર વિશ્વ બેંક રિપોર્ટમાંથી એકઠા કરેલા આંકડા પણ રસપ્રદ છે. તેના દ્વારા રાષ્ટ્રીય શ્રમશક્તિમાં મહિલાઓના યોગદાન પર પ્રકાશ પાડી શકાય છે. 1990માં ચીનનો એફએલએફપીઆર 73 ટકાના ઉચ્ચસ્તર પર હતો, જે ભારતના કરતા લગભગ અઢી ગણો વધારે હતો. જો કે આગામી 28 વર્ષોમાં બંને દેશોનો એફએલએફપીઆ ઘટયો છે. પરંતુ અનુપાતની દ્રષ્ટિએ ચીનના પક્ષમાં અંતરાલમાં વધારો થયો છે. હકીકતમાં આ ઘટાડા છતાં ચીનનું એફએલએફપીઆર વર્ષ 2018માં આ પાંચેય દેશોમાં સૌથી વધારે રહ્યું છે. દુર્ભાગ્યે 2018 આવતા સુધીમાં ભારતમાં એફએલએફપીઆર આ દેશોમાં સૌથી ઓછું રહ્યું છે અને બાંગ્લાદેશ તથા પાકિસ્તાન પણ તેનાથી સારી સ્થિતિમાં રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના વાર્ષિક માનવ વિકાસ રિપોર્ટમાં પ્રકાશિત માનવ વિકાસ સૂચકાંક એટલે કે એચડીઆઈના વલણો પણ ખૂબ સૂચક છે. સૌથી પહેલા 1990માં આ સૂચકાંકનો ઉપયોગ મહબૂબ ઉલ હક અને અમાર્ત્યસેને કર્યો હતો. 1990 અને 2017માં દરેક દેશની એચડીઆઈની ટકાવારી અને 2017માં દરેક દેશનું રેન્કિંગ પણ રસપ્રદ ચિત્ર રજૂ કરે છે.

એશિયાની સૌથી વધુ વસ્તી ધરાવતા પાંચેય દેશોમાં 27 વર્ષોમાં તેમના એચડીઆઈ મૂલ્યોમાં ખાસો વધારો જોવા મળે છે. ટકાવારીમાં વધારાના મામલામાં 56 ટકા સાથે બાંગ્લાદેશ સૌથી આગળ રહ્યું છે. તેના પછી 50 ટકા સાથે ચીન અને 48 ટકા સાથે ભારત છે. ત્રીજું, 1990માં ઉચ્ચ આધાર મૂલ્યો હોવા અને આગામી 27 વર્ષોમાં મોટા વિકાસદરના કારણે ચીન 2017ના રેન્કિંગમાં 86મા સ્થાન સાથે સૌથી આગળ રહ્યું છે. જ્યારે ઈન્ડોનેશિયા 116મા સ્થાને અને ભારત 130મા સ્થાને તેનાથી પાછળ છે. તો પાકિસ્તાન 150મા સ્થાન સાથે આ યાદીમાં સૌથી પાછળ છે.

40 વર્ષોમાં એશિયાના સૌથી મોટી વસ્તી ધરાવતા દેશોના વિકાસ માપદંડોના નિહિતાર્થ પણ જાણવા જરૂરી છે. તેમાં પહેલી વાત ઉડીને આંખે વળગે છે કે હકીકતમાં આ ચીનની કહાની છે. પ્રતિ વ્યક્તિ આવક, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સંપર્ક અને માનવ વિકાસ માપદંડોમાં થયેલા પરિવર્તનોને ધ્યાન પર લઈએ, તો ચીન બાકીના ચારેય દેશોથી સૌથી વધુ આગળ છે. તેવામાં ચીનનું આ સમયગાળામાં એક આર્થિક મહાશક્તિ તરીકે ઉભરવામાં કોઈ આશ્ચર્ય હોવું જોઈએ નહીં.

બીજો નિહિતાર્થ છે કે ભારત, ઈન્ડોનેશિયા અને બાંગ્લાદેશ મોટાભાગના માપદંડો પર ઘણાં હદે સારું પ્રદર્શન કરી ચુક્ય છે. આ દલીલ આપવી પણ શક્ય છે કે બાંગ્લાદેશ અને ભારતે મોટાભાગના વિશ્લેષકોની આશાઓથી સારું પ્રદર્શન કર્યું છે. ત્રીજો નિહિતાર્થ છે કે પાકિસ્તાન લગભગ દરેક માપદંડ પર પાછળ ફેંકાયું છે અને હવે છેક નીચલા સ્થાન પર છે.