Site icon hindi.revoi.in

શું ઓક્ટોબરમાં પીએમ મોદી અને રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની મુલાકાતની યજમાની કરશે મામલ્લપુરમ?

Social Share

ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની વચ્ચે ઓક્ટોબરમાં થનારી મુલાકાતનું સાક્ષી બની શકે છે મામલ્લપુરમ. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ ઓક્ટોબરના બીજા સપ્તાહમાં ભારતની મુલાકાતે આવવાના છે. જો કે પ્રશાસન તરફથી તેમના પ્રવાસનું સ્થાન અને સમય નિર્ધારીત કરવામાં આવ્યા નથી.

મામલ્લપુરમ તમિલનાડુનું તટવર્તી ઐતિહાસિક શહેર છે અને માનવામાં આવી રહ્યું છે કે આ શહેરને મોદી અને જિનપિંગની શિખર મુલાકાત માટે યજમાનીનો મોકો મળી શકે છે. પરંતુ એવી જાણકારી મળી છે કે પ્રસ્તાવિત મુલાકાત માટે મામલ્લપુરમની પસંદગી કરવામાં આવી છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર ઉચ્ચસ્તર પર ક્ષેત્રમાં સુરક્ષાને લઈને તપાસ પણ કરી રહ્યા છે. ચીનના રાષ્ટ્રપ્રમુખની આ મુલાકાત 11 અને 12 ઓક્ટોબરે થવાની સંભાવના છે. જો કે તારીખોનું સત્તાવાર એલાન થવાનું બાકી છે.

શિખર મુલાકાતથી અલગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે પ્રાચીન શહેર મામલ્લપુરમની ઐતિહાસિક ઈમારતોને પણ જોવા જાય તેવી શક્યતા છે. આ શહેર પલ્લવ રાજવંશ યુગના સમયનું છે અને દક્ષિણ ભારતમાં તેની પોતાની અલગ ઓળખ છે. બંને નેતાઓની વચ્ચે આવા પ્રકારની આ બીજી અનૌપચારીક મુલાકાત હશે.

આના પહેલા વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપ્રમુખ જિનપિંગની વચ્ચે ગત વર્ષ ચીનના વુહાનમાં પણ એક સમિટ થઈ હતી. 2018માં એપ્રિલમાં વડાપ્રધાન મોદીએ વુહાનમાં જિનપિંગ સાથે અનૌપચારીક મુલાકાત કરી હતી. આ શિખર મુલાકાત કોઈપણ એજન્ડા વગર થઈ હતી. તેમા ઘણાં મામલાઓ પર ચર્ચા થઈ હતી. આ બેઠકને લઈને કહેવામાં આવ્યું કે આમા કોઈ એક બંધાયેલો એજન્ડા ન હતો, દરેક મુદ્દા પર કંઈને કંઈ ચર્ચા થઈ છે. ત્યારે આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આવા પ્રકારની સમિટ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

મામલ્લપુરમ એક તટવર્તી શહેર છે અને યુનેક્સકોએ તેને વૈશ્વિક વારસાના સ્થાન તરીકે ચિન્હિત કર્યું છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની યાત્રાથી પહેલા ચીની પ્રતિનિધિમંડળ પણ તૈયારીઓની સમીક્ષા માટે આવવાનું છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને તમિલનાડુ સરકાર વચ્ચે ચેન્નઈમાં બેઠક થઈ હતી.

મામલ્લપુરમે ગત વર્ષ ડિફેન્સ એક્સ્પોની યજમાની પણ કરી હતી. આ ડિફેન્સ એક્સ્પો સંરક્ષણ મંત્રાલયના વાર્ષિક ધોરણે થનારો એક્સ્પો હતો. જેમાં આંતરરાષ્ટ્રીય ભાગીદારી પણ હોય છે. ગત વર્ષ થયેલા આ એક્સ્પોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

Exit mobile version