ચેન્નઈ: તમિલનાડુની સ્કૂલોમાં ત્રણ ભાષા પ્રણાલી પર કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર ડીએમકે અને મક્કલ નિધિ મૈયમે વિરોધ કર્યો છે. ડીએમકેના રાજ્યસભાના સાંસદ તિરુચિ સિવા અને મક્કલ નિધિ મૈયમના નેતા કમલ હસને આને લઈને વિરોધ જાહેર કર્યો છે.
સિવાએ કેન્દ્ર સરકારને વિરોધ પ્રદર્શનની ચેતવણી આપતા કહ્યુ છે કે હિંદીને તમિલનાડુમાં લાગુ કરવાની કોશિશ કરીને કેન્દ્ર સરકાર આગ સાથે રમત રમવાનું કામ કરી રહી છે.
સિવાએ કહ્યુ છે કે હિંદી ભાષાને તમિલનાડુ પર થોપવાની કોશિશને અહીંના લોકો સહન કરશે નહીં. અમે અહીંના લોકો પર હિંદી ભાષાને બળજબરીથી લાગુ કરવાને રોકવા માટે કોઈપણ પરિણામનો સામનો કરવા માટે તૈયાર છીએ.
કમલ હસને કહ્યુ છે કે હું ઘણી હિંદી ફિલ્મોમાં અભિનય કરી ચુક્યો છું. મારા અભિપ્રાય પ્રમાણે હિંદી ભાષાને કોઈના ઉપર થોપવી જોઈએ નહીં.
તિરુચિ એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા સિવાએ કહ્યુ છે કે તમિલનાડુમાં હિંદી લાગુ કરવી સલ્ફરના ગોદામમાં આગ લગાવવા જેવું છે. જો તેઓ ફરીથી હિંદી શીખવા પર ભાર મૂકે છે, તો અહીંના સ્ટૂડન્ટ્સ અને યુવાનો તેને કોઈપણ કિંમત પર રોકી દેશે. હિંદી વિરોધી આંદોલન 1965 આનું સ્પષ્ટ ઉદાહરણ છે.