Site icon hindi.revoi.in

કોણ બનશે 17મી લોકસભાના સ્પીકર? મેનકા-આહલુવાલિયા સહીત ચાર નામ ચર્ચામાં

Social Share

17મી લોકસભા ચૂંટણી બાદ 17મી જૂનથી સંસદનું પ્રથમ સત્ર શરૂ થવાનું છે. હવે સૌની નજર લોકસભાના સ્પીકરની પસંદગી પર મંડાયેલી છે. ઘણાં વરિષ્ઠ સાંસદોના નામ પર અટકળો લાગી રહી છે. ચર્ચામાં સૌથી વરિષ્ઠ સાંસદોના નામ પર અટકળો ચાલી રહી છે. જણાવવામાં આવે છેકે 19 જૂને લોકસભાના સ્પીકરની ચૂંટણી થશે, તેના પહેલા 17 અને 18 જૂને પ્રોટેમ સ્પીકર તરફથી નવનિર્વાચિત સાંસદોને શપથ લેવડાવામાં આવશે.

તો પાંચમી જુલાઈએ બજેટ રજૂ કરવામાં આવશે. સૂત્રો જણાવી રહ્યા છે કે ગત વખતની જેમ આ વખતે પણ ભાજપ ડેપ્યુટી સ્પીકરનું પદ એનડીએના કોઈ સાથીપક્ષને આપે તેવી શક્યતા છે. એનડીએના ઘટકદળ શિવસેનાએ ડેપ્યુટી સ્પીકર પદની માગણી કરી છે.

સામાન્ય રીતે સિનિયર મોસ્ટ સાંસદોમાંથી જ લોકસભાના સ્પીકરની ચૂંટણી કરવામાં આવે છે. પરંતુ વરિષ્ઠતાની સાથે એ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે કે સંબંધિત સાંસદ સંસદીય કાયદા-કાનૂનોની જાણકારી પણ રાખનારા હોય. જેથી તેઓ લોકસભાને વિધિવત સંચાલનમાં સક્ષમ હોય. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, સિનિયોરિટી પ્રમાણે જોવામાં આવે તો હાલ સુલ્તાનપુરથી સાંસદ મેનકા ગાંધીનું નામ સૌથી ઉપર ચાલી રહ્યું છે. તેઓ આઠ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. આમ તો બરેલીથી સંતોષ ગંગવાર પણ આઠ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. પરંતુ તેઓ મોદી સરકારમાં પ્રધાન બની ચુક્યા છે.

લોકસભા સ્પીકર તરીકે બીજું નામ મધ્યપ્રદેશની ટીકમગઢની અનામત બેઠક પરથી સાત વખત સાંસદ તરીકે ચૂંટાયેલા વિરેન્દ્ર કુમારનું ચાલી રહ્યું છે. તેઓ 1996થી સતત સાંસદ છે. પુરોગામી સરકારમાં તેઓ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા લઘુમતી મામલાના મંત્રાલયમાં રાજ્ય પ્રધાનના પદે કાર્યરત હતા.

સૂત્રો મુજબ, એસ. એસ. આહલુવાલિયા છૂપા રુસ્તમ સાબિત થવાની શક્યતા છે. આહલુવાલિયાનો એક સાંસદ તરીકે સારો ટ્રેક રેકોર્ડ છે. તેઓ રાજ્યસભામાં ઉપનેતા તરીકે કામ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેઓ સંસદીય નિયમ કાયદાની સાથે બંગાળી, ભોજપુરી, આસામી, પંજાબી, હિંદી અને અંગ્રેજી ભાષાના જાણકાર પણ છે.

પહેલા તેઓ કોંગ્રેસમાં હતા અને બાદમાં ભાજપમાં આવ્યા છે. તેઓ કુલ ચાર વખત રાજ્યસભાના સાંસદ અને બે વખત લોકસભાના સાંસદ રહી ચુક્ય છે. 2014માં પશ્ચિમ બંગાળની દાર્જિલિંગ લોકસભા બેઠક અને 2019માં તેઓ દુર્ગપુર બર્ધમાન બેઠક પરથી સાંસદ બન્યા છે. તેઓ પુરોગામી મોદી સરકારમાં સંસદીય કાર્ય રાજ્ય પ્રધાન પણ રહી ચુક્યા છે. લોકસભાના અધ્યક્ષની દોડમાં છ વખતથી સાંસદ રાધામોહન સિંહ અને ખંડવાથી જીતનારા મધ્યપ્રદેશ પ્રદેશ એકમનના ભૂતપૂર્વ પ્રમુખ નંદકુમાર ચૌહાનના નામ પણ ચાલી રહ્યા છે.

Exit mobile version