Site icon Revoi.in

રમજાનમાં જલ્દી વોટિંગ કરાવવા પર સુપ્રીમ કોર્ટનો ઇન્કાર, અરજી કરી રદ

Social Share

રમજાન દરમિયાન મતદાન જલ્દી શરૂ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે રમજાન દરમિયાન સવારે 7 વાગ્યાના બદલે સવારે 5 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવે જેથી રોજો રાખનારા મુસ્લિમ સમાજના લોકોને મતદાનમાં કોઈ પરેશાની ન થાય. સુપ્રીમ કોર્ટે આ માંગ પર સુનાવણી કરીને અરજીને રદિયો આપી દીધો.

કોર્ટના આ નિર્ણય પહેલા ચૂંટણીપંચના સૂત્રોને જણાવ્યું કે મતદાન અધિકારીઓ પહેલેથી જ એક્સ્ટ્રા કલાકો કામ કરી રહ્યા છે, સાથે જ દરેક રાજ્યમાં સૂર્યોદયનો સમય અલગ-અલગ હોય છે. એવામાં જો મતદાન સૂર્યોદય પહેલા શરૂ થશે તો વધારાની સુરક્ષા વ્યવસ્થા અને એડમિનિસ્ટ્રેટિવ ફેરફારો કરવા પડશે. પરિણામે, હવે તેમાં ફેરફાર શક્ય નથી.

જોકે, 10 માર્ચના રોજ જ્યારે મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોડાએ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી, તે સમયે પણ રમજાનમાં વોટિંગનો સવાલ ઉઠ્યો હતો. મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે રમજાનના આખા મહિના માટે ચૂંટણી સ્થગિત કરવી શક્ય ન હતી, એટલે મુખ્ય તહેવારના દિવસો અને શુક્રવારનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

ચૂંટણીપંચની આ દલીલની વિરુદ્ધ જઇને વકીલ નિજામુદ્દીન પાશાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને માંગ મૂકી કે રમજાન દરમિયાન વોટિંગનો સમય સવારે 7 વાગ્યાને બદલે 5 વાગે કરવામાં આવે. 2 મેના રોજ આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને આ અરજી પર વિચાર કરવા માટે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે 7 મેના રોજ રમજાન શરૂ થયો છે. ત્યારબાદ, 12 મેના રોજ એટલેકે છઠ્ઠા તબક્કાનું મતદાન રમજાન દરમિયાન થયું છે. હવે 19 મેના રોજ 59 લોકસભા સીટ્સ પર થનારા આખરી તબક્કાનું મતદાન પણ રોજા દરમિયાન જ થવાનું છે, જેના પહેલા સમય બદલવાની અરજી સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે.