Site icon hindi.revoi.in

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 6 : ઝીણાના કોમવાદ સામે કોંગ્રેસે અખંડ ભારતના ભાગલા સ્વીકાર્યા, અહિંસા હારી પાકિસ્તાન બન્યું

Social Share

અલગતાવાદી મુસ્લિમ લીગના અધ્યક્ષ ઝીણાની કોમવાદી મહત્વકાંક્ષાની પરાકાષ્ઠાનું પરિણામ પાકિસ્તાન છે. કહેવામાં આવે છે કે ઝીણાએ એક મદદનીશ અને ટાઈપરાઈટરની મદદથી દબાણની રાજનીતિ કરીને અંગ્રેજોથી આઝાદી મેળવવા ઈચ્છતા પણ લડતા લડતા થાકી ચુકેલા કોંગ્રેસી નેતાઓ પાસેથી પાકિસ્તાન મેળવી લીધું હતું. કોંગ્રેસના તત્કાલિન નેતાઓની રાજકીય મજબૂરી આજે પણ પાકિસ્તાનના સ્વરૂપે ભારતને રક્તરંજિત કરીને પીડી રહી છે.

બીજા વિશ્વયુદ્ધમાં જીત્યા છતાં બ્રિટન ખુવાર થયું હતું. તેવામાં ભારતમાં નૌસૈન્ય વિદ્રોહ બાદ સેનામાં ચાલી રહેલી અંગ્રેજી શાસન વિરોધી લાગણીઓને કારણે અંગ્રેજો વધુ વખત દેશમાં ટકી શકે તેવી સ્થિતિ ન હતી. જેના કારણે બ્રિટનના તત્કાલિન વડાપ્રધાન એટલીએ જૂન-1948 પહેલા ભારતને આઝાદ કરવાની 20 ફેબ્રુઆરી, 1947ના રોજ જાહેરાત કરી હતી. તેના માટે બ્રિટિશ સેનાના સેનાપતિ લોર્ડ માઉન્ટબેટનને ભારત મોકલવામાં આવ્યા હતા. 24 માર્ચ, 1947ના રોજ ભારતના છેલ્લા બ્રિટિશ વાઈસરોય લોર્ડ માઉન્ટબેટને કાર્યભાર સંભાળ્યો હતો. 1947ની ત્રીજી જૂને માઉન્ટબેટને ભારતના ભાગલાની યોજના જાહેર કરી અને ચોથી જૂને સત્તા હસ્તાંતરણ માટે 15મી ઓગસ્ટ, 1947નો દિવસ નક્કી પણ કરી નાખ્યો હતો.

ભારતને અખંડ રાખવા માટે કોંગ્રેસ અને હિંદુ મહાસભાના નેતાઓએ ખૂબ કોશિશો કરી હતી. મહાત્મા ગાંધીએ ઝીણા સાથે સતત મુલાકાતો પણ કરી હતી. પરંતુ તેમ છતા ઝીણા તેમની અલગ પાકિસ્તાનની માગણી છોડવા માટે તૈયાર ન હતા. દેશ તૂટે નહીં તેવી વ્યવસ્થા સંદર્ભે પણ ઝીણા સાથે ચર્ચા કરવામાં આવી હતી. ગાંધીજીએ ત્યારે લોકોલાગણી જોતા કહ્યુ હતુ કે ભારતના ભાગલા તેમની લાશ પર પડશે. પરંતુ ઝીણાની સીધી કાર્યવાહીની હરકતને કારણે ભારત લોહીની નદીઓ વહેવાની શક્યતા સાથે પાકિસ્તાનની માગણીઓ ધીરે-ધીરે કોંગ્રેસના નેતાઓએ સ્વીકારવાની શરૂ કરી હતી. જવાહરલાલ નહેરુએ તે વખતની પરિસ્થિતિમાં મુસ્લિમ લીગનો પ્રસ્તાવ સ્વીકારવાને વ્યવહારીક ગણાવ્યો હતો. ભારતની રાજનીતિના ચાણક્ય ગણાતા સરદાર પટેલ પણ હકીકતોના ધરાતલ પર લાગણીને બાજૂએ મૂકીને નિર્ણય કરવાની પ્રક્રિયાને મંજૂરી આપી ચુક્યા હતા. તો કોંગ્રેસ કાર્ય સમિતિએ પણ અલગ પાકિસ્તાનની માગણીને સ્વીકારી લીધી હતી.

સનાતન કાળથી રાષ્ટ્ર તરીકે અસ્તિત્વ ધરાવતા ભારતની અખંડતાનો છેલ્લો દિવસ 14 ઓગસ્ટ, 1947 હતો. 14મી ઓગસ્ટ, 1947ના રોજ પશ્ચિમ અને પૂર્વના ભાગ કાપીને પાકિસ્તાન નામનો અલગ દેશ અસ્તિત્વમાં આવ્યો. 15મી ઓગસ્ટ, 1947ના રોજ મધરાતે ભારતને પણ આઝાદી મળી. લોર્ડ માઉન્ટબેટન ભાતના ગવર્નર જનરલ બન્યા અને જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. તો મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાનના ગવર્નર જનરલ બન્યા હતા.

Exit mobile version