દેશભરમાં મંગળવારે હવામાન અચાનક બદલાઈ ગયું. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, હિમાચલપ્રદેશ, હરિયાણા અને નવી દિલ્હીમાં વરસાદ, તોફાન અને વીજળી પડવાને કારણે 35 લોકોનાં મોત થઈ ગયાં. જ્યારે 40 લોકો ઘાયલ થઈ ગયા. સૌથી વધુ અસર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર પડી છે. આ રાજ્યોમાં 28 લોકોનાં મોત થઈ ગયાં. વરસાદને કારણે આ રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રી ઓછું થઇ ગયું છે. હવામાન વિભાગે જણાવ્યું કે બુધવાર અને ગુરૂવારે પણ હવામાન આવું જ રહેવાનું અનુમાન છે.
ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ કેજે રમેશે જણાવ્યું કે પાકિસ્તાનથી આવેલા પશ્ચિમી વિક્ષોભ અને છેલ્લા 3-4 દિવસોથી ચાલી રહેલા હીટવેવના કારણે દેશના પશ્ચિમ-ઉત્તર હિસ્સો, મધ્ય ક્ષેત્ર અને વિદર્ભ અને પશ્ચિમ બંગાળ સુધી ભારે તોફાન, ગર્જનાઓ અને વીજળી સાથે વરસાદ અને બરફના કરા પડ્યા.
આ સ્થિતિ બુધવાર સાંજ સુધી રહેશે. ગુરૂવારે ફરી ગરમી વધશે. આ વર્ષે મધ્ય ભારતથી વિદર્ભ સુધી વારંવાર હીટવેવ ચાલશે. દર છઠ્ઠા દિવસે તોફાન અને ગરજ સાથ વરસાદ પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વરસાદ અને આંધી-તોફાનમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહતકોષમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલ લોકોને 50 હજાર રૂપિયાની મદદ આપવાનું એલાન કર્યું.
ગુજરાતમાં 11 લોકોનાં મોત થયાં છે. રાજ્યના 33માંથી 18 જિલ્લાઓમાં વરસાદ પડ્યો. પાટણ, રાજકોટ, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર મોરબી જિલ્લાઓના વિવિધ વિસ્તારોમાં અચાનક હવામાન પલટાઈ ગયું. સૌથી વધુ 3 મોત મહેસાણામાં થઈ છે, જ્યારે 2-2 બનાસકાંઠા અને મોરબી જિલ્લાઓમાં થઈ. રાજકોટના ખાખરાબેલામાં ઝાડ પડી જતા એક મહિલાનું અને સાબરકાંઠાના ચિંધમાલમાં વીજળીનો થાંભલો પડી જતા એક વ્યક્તિનું મોત થયું છે.
બનાસકાંઠા જિલ્લાના આશિયા અને ચાલાગાંવમાં તેમજ મોરબી જિલ્લાના તીથલ અને ગીદજ ગામમાં 2-2 લોકોના અને અમદાવાદના વીરમગામમાં વીજળી પડવાથી એક મહિલાનું મોત થયું છે. સુરેન્દ્રનગર, મહેસાણા અને વીજાપુરમાં પણ 3 લોકોનાં મોત થઈ ગયાં.
મધ્યપ્રદેશમાં 10 લોકોનાં મોત થયાં. વીજળી પડવાથી ઇંદોરમાં ત્રણ, બદનાવરમાં 2, ખરગોનમાં એક, રતલામમાં એક, શાજાપુરમાં એક અને શ્યોપુરમાં એક મોત થયું. ગ્વાલિયરમાં દિવસનું તાપમાન 11.5 ડિગ્રીના ઘટાડા સાથે 30.1 ડિગ્રી નોંધવામાં આવ્યું. આ પંચમઢીના તાપમાન 33 ડિગ્રીની સરખામણીએ ત્રણ ડિગ્રી ઓછું હતું.
હવામાન વિભાગ પ્રમાણે, આગામી બે દિવસોમાં ઉત્તર-પશ્ચિમી અને પૂર્વી મધ્યપ્રદેશમાં આંધીની સાથે જ હળવો વરસાદ પડી શકે છે. ભોપાલમાં પણ વરસાદના છાંટાઓ પડી શકે છે.
રાજસ્થાનમાં પણ મંગળવારે અચાનક હવામાન પલટાઈ જતા મોટાભાગના શહેરોમાં તોફાન આવ્યું, વરસાદ અને બરફના કરા પડ્યા. ઝાલાવાડમાં 2 કાચું મકાન ધસી પડતા બે બહેનોનું મોત થયું, ઉદયપુરના સૈલાના તેમજ રાજસમંદના પરાવલમાં વીજળી પડવાથી 1-1 મોત. અલવરમાં ટેન્ટ પડી જતા 1નું મોત અને 14 ઘાયલ. હનુમાનગઢમાં મકાન પડી જતા એક વૃદ્ધનું મોત તેમજ જયપુરમાં પણ 1નું મોત થયું.
આ ઉપરાંત હરિયાણા અને પંજાબમાં પણ મંગળારે જબરદસ્ત આંધી અને પવન સાથે વરસાદ પડ્યો. હરિયાણામાં બુધવારે પણ જોરદાર તોફાન અને વરસાદના આસાર છે. પંજાબમાં પણ બુધવારે વાદળા છવાયેલા રહેશે તેવા આસાર છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બુધવારે આકાશમાં વાદળા છવાયેલા રહેશે. 50થી 60 કિમીની સ્પીડથી હવાની સાથે હળવો વરસાદ પડી શકે છે. મહત્તમ તાપમાન 28 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે ગુરૂવારે પણ વરસાદ પડવાની સંભાવના 60થી 70% જેટલી છે. 18 એપ્રિલથી તાપમાનમાં વધારો શરૂ થશે અને ધીમે-ધીમે 22 એપ્રિલ સુધી મહત્તમ તાપમાન ફરી 39 ડિગ્રી સુધી પહોંચી જશે.