- આનંદ શુક્લ
આજે વિશ્વ વસ્તી દિવસ છે. વિશ્વ વસ્તી દિવસે માત્ર કેટલી જનસંખ્યા વધી એટલું વિચારવું જરૂરી નથી. પરંતુ ભારત જેવા વિવિધતા ધરાવતા દેશમાં કોની વસ્તી વધી અને કેવી રીતે વધી તેની વિચારણા કરવી જરૂરી છે. ભારતની વિવિધતાનું એક મોટું કારણ દેશમાં અહીં જન્મેલા ધર્મો હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધોની બહુમતી છે. પરંતુ 120 વર્ષના સમયગાળામાં વસ્તી વધારાના ડેટાનું રિલિજિયસ ડેમોગ્રાફી પ્રમાણે વિશ્લેષણ કરવામાં આવે, તો આવા પ્રકારનો વસ્તી વધારાને ટ્રેન્ડ ચાલુ રહેશે, તો ભારતીય ઉપખંડ એટલે કે ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ભારતીય મૂળના ધર્મો હિંદુ-શીખ-જૈન-બૌદ્ધો 2081 સુધીમાં લઘુમતીમાં આવી જશે અને મુસ્લિમ ભારતીય ઉપખંડમાં બહુમતીમાં આવી જશે. દિલ્હી ખાતેની થિંક ટેન્ક સેન્ટર ફોર પોલિસી સ્ટડીઝે આના સંદર્ભે દાવો કર્યો છે.
ભારતીય ધર્મોનો અર્થ છે કે ભારતીય ઉપખંડના ક્ષેત્રમાં સ્થપાયેલા ધર્મો. તેના 1881થી 1941ના સ્વતંત્રતા પહેલાના ડેટા ખૂબ રસપ્રદ છે. મોટાભાગે કિંગ્સલે ડેવિસ દ્વારા એકઠા કરાયેલા અને પ્રકાશિત કરાયેલા બ્રિટિશકાળના સેન્સસ ડેટાના આધારે તૈયાર કરવામાં આવેલા ભારતીય ઉપખંડની વસ્તીના ધાર્મિક ઘટકોની માહિતી ઉજાગર કરે છે. ભારતીય ધર્મોના અનુયાયીઓ 1881માં 79.32 ટકા હતા, પરંતુ 1941 સુધીમાં તેમા 5.51 ટકાનો ઘટાડો થયો અને તે 79.32 ટકા પર પહોંચ્યા હતા. આ સમયગાળામાં મુસ્લિમોની વસ્તીમાં 4.31 ટકા અને ખ્રિસ્તીઓની વસ્તીમાં 1.2 ટકા વધારો થયો હતો.
રિલિજિયસ પ્રોફાઈલ : ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ (1881થી 1941)
વર્ષ ભારતીય ધર્મ મુસ્લિમ ખ્રિસ્તી
1881 79.32% 19.97% 0.71%
1891 78.81% 20.41% 0.77%
1901 77.14% 21.88% 0.98%
1911 76.40% 22.39% 1.21%
1921 75.30% 23.23% 1.47%
1931 74.75% 23.49% 1.77%
1941 73.81% 24.28% 1.91%
-5.51% 4.31% 1.20%
(સેન્ટર ફોર પોલિસી સ્ટડીઝ)
સ્વતંત્ર ભારતના સેન્સસ ડેટા સરળતાથી ઉપલબ્ધ છે. જ્યારે પાકિસ્તાન અને 1971 બાદ બાંગ્લાદેશના સેન્સસના ડેટા થોડાક અનિયમિત છે. જો કે ઉપલબ્ધ ડેટા પ્રમાણે ભારતીય ધર્મોના અનુયાયીઓની સંખ્યા ભારતીય ઉપખંડના ત્રણ દેશોમાં 2011માં 67.22 ટકા હતી. જ્યારે 1951માં આ ત્રણેય દેશોમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની સંક્યા 73.47 ટકા હતી. 1951થી 2011ના છ દાયકામાં ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની સંખ્યા 6.25 ટકા જેટલી ઘટી છે. ફરીથી આ સમયગાળામાં મુસ્લિમોની વસ્તીમાં સૌથી વધુ 6.26 ટકાનો વધારો થયો અને ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યામાં મામૂલી ઘટાડો થયો છે.
જો 1881થી 2011ના સમયગાળાની વાત કરીએ, ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ભારતીય મૂળના ધર્મોને માનનારા લોકોની વસ્તીમાં 12 ટકાનો ઘટાડો થયો છે. આ સમયગાળામાં ત્રણેય દેશમાં મુસ્લિમોની વસ્તી લગભગ 15 ટકા જેટલી વધી છે.
રિલિજિયસ પ્રોફાઈલ : ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ (1951થી 2011)
વર્ષ ભારતીય ધર્મ મુસ્લિમ ખ્રિસ્તી
1951 73.47% 24.49% 2.04%
1961 72.70% 25.17% 2.13%
1971 71.27% 26.48% 2.26%
1981 70.19% 27.67% 2.14%
1991 68.74% 29.22% 2.03%
2001 68.13% 29.80% 2.07%
2011 67.22% 30.75% 2.03%
– 6.25% 6.26% 0.01%
1881થી 2011 વચ્ચેના ઉપલબ્ધ ડેટાના આધારે સેન્ટર ફોર પોલિસી સ્ટડીઝે અનુમાન વ્યક્ત કર્યું છે કે 2081થી 2091ની વચ્ચે ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશ એમ ત્રણેય દેશોના ભારતીય ઉપખંડ તરીકે દુનિયામાં ઓળખવામાં આવતા વિસ્તારમાં ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની સંખ્યા 50 ટકાની નીચે પહોંચી જશે. જો કે આ અનુમાનિત સમયગાળાથી પહેલા પણ જે પ્રકારે ભારતમાં વસ્તી નિયંત્રણના પ્રયોગો બહુમતી ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓને નિશાન બનાવીને હાથ ધરાઈ રહ્યા છે, તેને કારણે વસ્તી વૃદ્ધિ દરમાં ધાર્મિક અસંતુલન પેદા થઈ રહ્યું છે. હિંદુઓની વસ્તી વૃદ્ધિનો દર મુસ્લિમોની વસ્તી વૃદ્ધિના દરથી ખાસો ઓછો છે. જેને કારણે અનુમાનિત સમયગાળા પહેલા જ ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સંયુક્ત આંકડાઓમાં ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓ લઘુમતીમાં પહોંચી જશે. ભારતમાં ભલે હિંદુઓ બહુમતીમાં રહેશે, પરંતુ આસપાસ મુસ્લિમ વસ્તીનો વિસ્ફોટ અને દેશમાં પણ ઈસ્લામના અનુયાયીઓની વધનારી સંખ્યા ભારતની વિવિધતાને વીખી નાખે તેવી શક્યતા છે.
એક મોટી હકીકત એ છે કે મુસ્લિમોની બહુમતીવાળા કોઈપણ વિસ્તારમાં સામાજીક –સાંસ્કૃતિક વિવિધતા ટકી શકી નથી. મધ્ય-એશિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ સહીતના મુસ્લિમ બહુમતીવાળા દેશોની આવી હકીકત છે. હકીકતમાં ઈસ્લામના વહાબી અથવા સલાફી સંસ્કરણનું પ્રભુત્વ ઈસ્લામિક દુનિયામાં વધી રહ્યું છે. ઈસ્લામનું સલાફી કે વહાબી સંસ્કરણ હકીકતમાં મુસ્લિમોનું અરબીકરણ છે. જેનો ખતરો પાન-ઈસ્લામિક સમયગાળામાં ભારતે વિભાજનની કરુણાંતિકાઓથી ભોગવ્યો છે.
ઈસ્લામના અરબીકરણને અટકાવવું સામાજીક-સાંસ્કૃતિક વિવિધતાને ટકાવવા માટે બેહદ જરૂરી બની ચુક્યું છે. વિશ્વ વસ્તી દિવસે વસ્તી નિયંત્રણ હિંદુમાં જ કરવું અને મુસ્લિમોને રાજકીય કારણોથી આમાથી બાકાત રાખવા ભારતના અસ્તિત્વ માટે ખતરનાક છે. ભારતના રાજકારણીઓએ આવી વોટબેંકની રાજનીતિને હવે તિલાંજલિ આપીને દેશને ખરેખર કાયદાના શાસનથી સંચાલિત અને કાયદા સામે સૌ સરખા તથા કાયદો બધાં માટે સરખો-ના સિદ્ધાંતોને વાસ્તવિકમાં સ્થાપિત કરવાની પ્રામણિક કોશિશોની તીવ્રતા વધારવી જોઈએ.