Site icon Revoi.in

8000 કરોડનું ફ્રોડ: સ્ટર્લિંગ બાયોટેક કેસમાં અહમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્દીકીની પૂછપરછ

Social Share

ઈડીએ મંગળવારે કોંગ્રસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્દીકીની પૂછપરછ કરી છે. આ પૂછપરછ આઠ હજાર કરોડ રૂપિયાના સ્ટર્લિંગ બાયોટેક લોન ફ્રોડ કેસમાં થઈ છે. એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ સિદ્દીકીનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ નિવેદન એ કથિત લેણદેણના સંદર્ભે નોંધવામાં આવ્યું છે કે જે સિદ્દીકી અને ફાર્માસ્યુકિટલ કંપનીના પ્રમોટર્સની વચ્ચે થઈ હતી.

આવું પહેલીવાર થયું છે કે જ્યારે અહમદ પટેલની સાથે જોડાયેલા કોઈ વ્યક્તિની આ કેસમાં પૂછપરછ કરવામાં આવી છે. ઈડીના સૂત્રોનું કહેવું છે કે મામલાનો એક સાક્ષી અને સ્ટર્લિંગના પ્રમોટર્સ વચ્ચે કથિત લિંક સંદર્ભે સિદ્દીકીની પૂછપરછ થઈ છે. સાક્ષીએ એજન્સીની સમક્ષ નિવેદન રેકોર્ડ કરાવીને સિદ્દીકી અને સ્ટર્લિંગ પ્રમોટર ચેતન અને નીતિન સંદેસરાની વચ્ચે કથિતપણે થયેલી નાણાંકીય લેવડ-દેવડની જાણકારી આપી છે.

મીડિયા રિપોર્ટ્સમાં અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સિદ્દીકીને બુધવારે તપાસ એજન્સીની સામે રજૂ થવું પડે તેવી શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતના વડોદરાની કંપની સ્ટર્લિંગ બાયોટેકના એક પ્રમોટર ચેતન સંદેસરા માટે કામ કરનારા વ્યક્તિ સુનીલ યાદવે નિવેદન રેકોર્ડ કરાવ્યું હતું. તેના પછી સિદ્દીકીનું નામ સામે આવ્યું હતું.

સુનીલ યાદવે ચેતન સંદેસરા, આરોપી ગગન ધવન અને અન્ય લોકોની વચ્ચે ઘણી નાણાંકીય લેણદેણની જાણકારી આપી હતી. ઈડી વસંતવિહાર ખાતે એક આવાસીય પ્રોપર્ટીના માલિકી હક સાથે જોડાયેલી જાણકારી પણ એકઠી કરી રહી છે. ઓગસ્ટ-2017માં સીબીઆઈએ સંદેસરા બંધુઓ વિરુદ્ધ મામલો રેકોર્ડ કરાવ્યો હતો. તેના પછી તે ફરાર થઈ ગયા હતા. આશંકા છે કે તેઓ હાલ અલબાનિયામાં છે, જ્યાંથી તેમના સગાં હિતેશ પટેલને માર્ચમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

જ્યાં સુધી ઈરફાન સિદ્દીકીનો સવાલ છે, તે વ્યવસાયે વકીલ છે. તેમના લગ્ન અહમદ પટેલની પુત્રી મુમતાજ પટેલ સાથે થયા છે. અહમદ પટેલ હાલ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે અને કોંગ્રેસના ખજાનચીની ભૂમિકા નિભાવી રહ્યા છે. ભૂતકાળમાં તેઓ યુપીએ ચેરપર્સન અને ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ પણ રહી ચુક્યા છે.