દૂધપીતા બાળકોને સ્તનપાન કરાવનારી માતાઓની પ્રાઇવસીના મામલે એક પ્રોગ્રેસિવ પગલું ભરીને ભારતીય પુરાતાત્વિક સર્વે (એએસઆઇ)એ ત્રણ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ તાજમહેલ, આગ્રા ફોર્ટ, ફતેપુર સિક્રીમાં અલગથી ‘બેબી ફીડીંગ રૂમ’ બનાવવાનો નિર્ણય કર્યો છે.
એએસઆઇના આગ્રા સર્કલના અધિકારી વસંત સ્વર્ણકારે જણાવ્યું કે ભારતમાં એવું પહેલીવાર બનશે કે માતાઓને સ્તનપાન કરાવવા માટે અલગ રૂમની વ્યવસ્થા થશે. તેમણે જણાવ્યું, ‘બેબી ફીડીંગ રૂમ માટે જગ્યા શોધવાનું કામ શરૂ થઈ ગયું છે અને બે મહિનાની અંદર તે તૈયાર થઈ જશે. તેમાં ખુરશી, ટેબલ, પંખો, લાઇટ જેવી બેઝિક સુવિધાઓ આપવામાં આવશે.’
તેમણે જણાવ્યું કે, ‘ઘણીવાર અહીંયા આવનારી માતાઓને બાળકોને સ્તનપાન કરાવવા માટે પરેશાન થઈ જતી જોઇ શકાય છે. તેમને દીવાલ કે પછી ઝાડની પાછળ જઇને દૂધ પીવડાવવું પડે છે. આ જ પરેશાનીને જોતા એએસઆઇ તરફથી આ પગલું ઉઠાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.’
ભારતમાં સાર્વજનિક સ્થળો પર બાળકોને સ્તનપાનથી રોકવાનો કોઈ કાયદો તો નથી, પરંતુ આડોશ-પાડોશનો માહોલ જોતા એવું કરવું મહિલાઓ માટે બહુ પરેશાનીવાળું હોય છે. 2017માં મેટરિનટી બેનિફિટ ઍક્ટમાં અમેન્ડમેન્ટ આવ્યા પછી વર્કિંગ મહિલાઓને રાહત મળી હતી, જેમાં 50થી વધુની કર્મચારી ક્ષમતાવાળી ઓફિસોમાં મહિલાઓને દિવસમાં ચાર વખત ક્રેચ દઇને બાળકોની સારસંભાળની સુવિધા આપવામાં આવી છે.