
કોરોના મહામારી, સુરતની નવી સિવિલમાં દર્દીઓ માટે ઓક્સિજનની કરાઈ વિશેષ વ્યવસ્થા
- આધુનિક ઓક્સિજન ટેન્ક ઈન્સ્ટોલ કર્યું
- ઓક્સિજન ટેન્કની ક્ષમતા 13 હજાર કિલો લીટર
અમદાવાદઃ સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેમજ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે કવાયત તેજ બનાવી છે. આ ઉપરાંત નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીઓને યોગ્ય સારવાર માળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ દર્દીઓને પુરતી માત્રામાં ઓક્સિજન મળી રહે તે માટે હોસ્પિટલ સંકુલમાં જ 13 હજાર કિલો લીટરની ક્ષમતાવાળી આધુનિક ઓક્સિજન ટેન્ક ઈન્સ્ટોલ કરવામાં આવી છે.
સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધતા રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિ સુરત દોડી ગયા હતા. તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો કરીને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ જ્યંતિ રવિના માર્ગદર્શન હેઠળ જ હોસ્પિટલ સંકુલમાં ઓક્સિજન ટેન્ક લગાવવામાં આવી છે. વડોદરાની કંપનીએ તૈયાર કરેલી આ ટેન્કમાં રહેલો ઓક્સિજન રિઝર્વ લેવલે પહોંચે ત્યારે ડિજીટલ સિસ્ટમ દ્વારા કંપનીને મેસેજ પહોંચે છે. જેથી કંપની દ્વારા તાત્કાલિક ધોરણે રિપિલીંગની કામગીરી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કેસ સુરતમાં સતત વધતા લોકોમાં ભય ફેલાયો છે. તેમજ હિરાના કારખાના બંધ હોવાથી મોટી સંખ્યામાં રત્ન કલાકારો પોતાના વતન તરફ જઈ રહ્યાં છે. બીજી તરફ તંત્ર દ્વારા પણ કોરોના વાયરસનું સંક્રમણ ફેલતું અટકાવવા માટે અસરકાર પગલા ભરવામાં આવી રહ્યાં છે.