નવી દિલ્હી: સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. જેમાં સોનિયા ગાંધી ફરી એકવાર સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્ધાન મનમોહનસિંહ સહીતના પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ફરીથી કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ સોનિયા ગાંધીએ પાર્ટીને વોટ આપનારાઓને ધન્યવાદ કહ્યું હતું.
કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપસિંહ સૂરજેવાલાએ ટ્વિટ કરીને આના સંદર્ભે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે સોના ગાંધીને કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. સોનિયા ગાંધી તરફથી તેમણે કહ્યું છે કે અમે એ 12.13 કરોડ વોટરોનો ધન્યવાદ કરીએ છીએ, કે જેમણે કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ગત સપ્તાહે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ આ મીટિંગ યોજાઈ છે. જેમાં રાહુલ ગાંધીએ પાર્ટીની શરમજનક હાર બાદ રાજીનામાની પેશકશ કરી હતી. જેને ઠુકરાવી દેવામાં આવી હતી. કોંગ્રેસ માટે મુશ્કેલી એ છે કે લોકસભામાં તેના માત્ર 52 સાંસદો છે. વિપક્ષનો દરજ્જો મેળવવા માટે એક પાર્ટી તરીકે ઓછામાં ઓછા 55 સાંસદો હોવા જરૂરી છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના માત્ર 44 સાંસદો હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપની સામે કારમી હાર મળી છે. આ ચૂંટણીમાં ભાજપને પોતાના દમ પર 303 બેઠકો પ્રાપ્ત થઈ છે અને તે ભાજપની સ્થાપના બાદની તેને મળેલી સૌથી વધુ લોકસભા બેઠકો છે.
એક તરફ રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાના નિર્ણય પર અડગ છે. તો કોંગ્રેસના નેતા તેમને પોતાનો નિર્ણય બદલવાની માગણી કરી રહ્યા છે. ઘણા પ્રદેશ પ્રમુખોના રાજીનામા પર પણ અત્યાર સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. રિપોર્ટ્સ પ્રમાણે, કોંગ્રેસની શરમજનક હાર બાદ પાર્ટી સ્તર પર આમૂલચૂલ પરિવર્તન કરવામાં આવશે, જેથી લોકો વચ્ચે સમય જાય કે તે પણ વખતોવખત મોટા પરિવર્તનો કરી શકે છે.
સોમવારે રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીના નિકટવર્તી અહમદ પટેલ અને કે. સી. વેણુગોપાલની સાથે મુલાકાત કરી હતી. બે દિવસ બાદ ટ્વિટર પર એક તસવીર વાઈરલ થઈ હતી. જેમાં રાહુલ ગાંધી એસયૂવી ચલાવી રહ્યા હતા અને પોતાના ડોગી પિડીને કારની પાછળની સીટ પર તેમણે બેસાડયો હતો. 30 મેના રોજ રાહુલ ગાંધી પીએમ મોદીના શપથગ્રહણ સમારંભમાં પણ સામેલ થયા હતા. હાલ કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે સોનિયા ગાંધી ચૂંટાયા છે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસમાંથી વિપક્ષના નેતા તરીકે કોની પસંદગી કરવામાં આવે છે. શશી થરુરે આના માટે તૈયારી દર્શાવી છે.