આજતક અને એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે, ઉત્તરપ્રદેશમાં સપા-બસપા ગઠબંધનનો જાદૂ નહીં ચાલી શકે. પોલ પ્રમાણે રાજ્યમાં આ વર્ષે પણ ભાજપ રેકોર્ડ સીટ્સ જીતતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ પ્રમાણે યુપીની 80 સીટ્સમાંથી ભાજપ ગઠબંધનને 62-68 સીટ્સ મળશે, જ્યારે સપા-બસપા-આરએલડી ગઠબંધનને 10-16 સીટ્સ અને કોંગ્રેસને એક કે બે સીટ્સ પર જીત મળી શકે છે. પોલ્સ પ્રમાણે ભાજપ એકલી જ પોતાના દમ પર 60-66 સીટ્સ મેળવી લેશે, જ્યારે સહયોગી દળોને બે સીટ્સ પર જીત મળી શકે છે. પોલની રસપ્રદ વાત એ છે કે આ વખતે ચૂંટણીમાં દિગ્ગજ સપા નેતા મુલાયમસિંહ યાદવ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સીટ ફસાઇ ગયેલી જોવા મળી રહી છે.
પોલ્સ પ્રમાણે, રાયબરેલીથી કોંગ્રેસ ઉમેદવારની જીત થશે જ્યારે અમેઠીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. અહીંયાથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપ નેતા સ્મૃતિ ઇરાની ચૂંટણીના મેદાનમાં છે. એક્સપર્ટ્સ કહે છે કે આ વખતે રાહુલ ગાંધીને સ્મૃતિ ઇરાની જબરદસ્ત પડકાર આપતા જોવા મળી રહ્યા છે, જેના કારણે આ વખતે રાહુલ ગાંધી અમેઠીની સીટ હારી શકે છે. હવે જનતાને 23મી મેના રોજ આવનારા ચૂંટણી પરિણામોની રાહ છે.