અમેઠી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠી બેઠક પરથી હરાવીને લોકસભાના સાંસદ બનેલા સ્મૃતિ ઈરાનીએ પોતાના નિકટવર્તી ભૂતપૂર્વ સરપંચ સુરેન્દ્ર સિંહના મૃતદેહને રવિવારે કાંધ આપી હતી. સુરેન્દ્ર સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે બરૌલિયા ગામમાં લાવવામાં આવ્યો હતો.
દિલ્હીથી લખનૌ પહોંચ્યા બાદ સ્મૃતિ ઈરાની સડક માર્ગે અમેઠી પહોંચ્યા અને સુરેન્દ્ર સિંહની અંતિમયાત્રામાં સામેલ થયા અને તેમણે મૃતકને કાંધ પણ આપી હતી.
અમેઠી પહોંચેલા સ્મૃતિ ઈરાનીએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે સુરેન્દ્રસિંહના પરિવાર સમક્ષ સોગંદ લીધા છે કે જેણે ગોળી ચલાવી છે અને જેણે આદેશ આપ્ય છે, તેને ફાંસીની સજા અપાવવા માટે સુપ્રીમ કોર્ટ જવું પડે તો તેઓ જશે.
સ્મૃતિ ઈની આના પહેલા મૃતક સુરેન્દ્ર સિંહના ઘરે જઈને તેમના પત્ની, પુત્રીઓ અને પુત્રની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે હવે આ પરિવારને સંભાળવાની જવાબદારી મારી છે. સુરેન્દ્રસિંહના પુત્ર અભય સિંહે કહ્યુ છે કે અમને ન્યાય મળવો જોઈએ. આ લડાઈમાં હું સુપ્રીમ કોર્ટ સુધી જઈશ.
સુરેન્દ્રસિંહના પુત્રએ કહ્યુ છે કે મારા પિતા ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીના નિકટવર્તી હતા અને લોકસભા ચૂંટણીમાં પ્રચારની જવાબદારી નિભાવી રહ્યા હતા. જીત માટે વિજય યાત્રા કાઢવામાં આવી રહી હતી. આ વાત કોંગ્રેસના નેતાઓને સારી લાગી નહીં. કદાચ તેથી તેમણે તેમની હત્યા કરી દીધી. ગામમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની તેનાતી કરવામાં આવી છે. ઘટના બાદ પોલીસે ઘણાં શકમંદોની ધરપકડ કરી છે.
ગ્રામીણો પ્રમાણે, શનિવારે મોડી રાત્રે બે બાઈક સવાર બદમાશો આવ્યા અને સુરેન્દ્રસિંહને ઘરમાંથી બહાર બોલાવ્યા હતા. સુરેન્દ્રસિંહ જેવા બહાર આવ્યા કે બદમાશોએ તેમને માથામાં ગોળી મારી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘાયલ અવસ્થામાં ગ્રામીઓ તેમને પીએચસી લઈ ગયા. જ્યાં તબીબોએ તેમને લખનૌ રિફર કર્યા હતા. લખનૌ જતી વખતે માર્ગમાં જ સુરેન્દ્ર સિંહે છેલ્લો શ્વાસ લીધો હતો.
હત્યાનું કારણ ચૂંટણીની અદાવત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વિસ્તારમાં સુરેન્દ્રસિંહનો ખાસો પ્રભાવ હતો. તેનો ફાયદો સ્મૃતિ ઈરાનીને મળ્યો હતો. લોકસભામાં સ્મૃતિ ઈરાનીની જીત બાદ સુરેન્દ્રસિંહનું કદ પણ ઘણું વધી ગયું હતું. આ બાબત કેટલાક લોકોને પચી નહીં. સુરેન્દ્ર સિંહ સ્મૃતિ ઈરાનીના નિકટવર્તી હતા. ભૂતપૂર્વ સરપંચ સુરેન્દ્ર સિંહના પિતરાઈ રાજેન્દ્ર પ્રતાપ સિહેં કહ્યુ છે કે તેમના ભાઈની હત્યા રાજકીય અદાવતમાં કરવામાં આવી છે અને તેમના ભાઈનો ઘણો મોટો રાજકીય પ્રભાવ હતો.
સુરેન્દ્ર સિંહ 2017 સુધી ભાજપના જિલ્લા ઉપપ્રમુખ પદ પર હતા. પરંતુ યુપી વિધાનસભા ચૂંટણી 2017માં નંદમહરમાં અખિલેશ યાદવની સભા બાદ સમાજવાદી પાર્ટીમાં તેઓ સામેલ થયા હતા. પરંતુ ચૂંટણી બાદ પાછા ભાજપમાં જોડાયા હતા. ગૌરીગંજ તાલુકા વિસ્તારના બરૌલિયા ગામના ભૂતપૂર્વ સરપંચ સુરેન્દ્ર સિંહની હત્યા બાદ ગામમાં શાંતિ અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ ફોર્સની મોટી સંખ્યામાં તેનાતી કરવામાં આવી છે. આ મામલામાં પોલીસે કેટલાક આરોપીઓને એરેસ્ટ પણ કર્યા છે.