Site icon Revoi.in

જાપાનમાં પીએમ મોદીના ભાષણ બાદ જય શ્રીરામના લાગ્યા સૂત્રો, લોકોમાં જોવા મળ્યો જબરદસ્ત ઉત્સાહ

Social Share

કોબે: જાપાનમાં જી-20 શિખર સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી ગુરુવારે અહીં પહોંચ્યા છે. તેમણે જાપાનના કોબે શહેરમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે જનતાએ તેમના ઉપર પહેલાથી વધારે વિશ્વાસ અને પ્રેમ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ છે કે જાપાનમાં રહેતા ભારતીયોએ પણ લોકશાહીને મજબૂત કરી છે અને તમારા ઉત્સાહથી લાગી રહ્યું છે કે અમે યોગ્ય દિશામાં છીએ. વડાપ્રધાનના ભાષણ દરમિયાન લોકોએ વંદેમાતરમ અને જય શ્રીરામના સૂત્રો પણ લગાવવામાં આવ્યા હતા. તે વખતે લોકોની વચ્ચે જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો.

વડાપ્રધાને કહ્યુ છે કે સાત માસ બાદ ફરી એકવાર મને જાપાનની ધરતીમાં આવવાનો મોકો મળ્યો હતો. ગત વખતે જ્યારે હું આવ્યો હતો, ત્યારે મારા મિત્ર સિંજો આબે પર ભરોસો કરીને તમે તેમને જીતાડયા હતા. આ વખતે જ્યારે હું આવ્યો છું, ત્યારે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતે આ પ્રધાનસેવક પર પહેલાથી વધારે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ છે કે 130 કરોડ ભારતીયોએ પહેલેથી પણ મજબૂત સરકાર બનાવી છે. આ એક મોટી ઘટના છે. ત્રણ દશક બાદ પહેલીવાર સતત બીજી વખત પૂર્ણ બહુમતીની સરકાર બનાવી છે. 1971 બાદ દેશે પહેલીવાર એક સરકારને પ્રો-ઈન્કમ્બન્સી જનાદેશ આપ્યો છે. આ જીત સચ્ચાઈની જીત છે, ભારતની લોકશાહીની જીત છે.

પીએમ મોદીએ કહ્યુ છે કે લોકશાહી પ્રત્યે ભારતના સામાન્ય લોકોની નિષ્ઠા અતૂટ છે. આપણી લોકશાહીની સંસ્થાઓ અને લોકતાંત્રિક પ્રણાલી દુનિયામાં અગ્રણી છે. ભારતની આ શક્તિ 21મી સદીના વિશ્વને નવી આશા આપનારી છે. ન્યૂ ઈન્ડિયાની આશાઓ અને આકાંક્ષાઓને પુરી કરવા માટે આ જનાદેશ મળ્યો છે. જે આખા વિશ્વની સાથે આપણા સંબંધોને નવી ઊર્જા આપશે.

તેમણે કહ્યુ હતુ કે સૌનો સાથ-સૌનો વિકાસ-સૌનો વિશ્વાસ જે મંત્ર પર અમે ચાલી રહ્યા છીએ, તે ભારત પર દુનિયાના વિશ્વાસને પણ મજબૂત કરશે. જ્યારે દુનિયાની સાથે ભારતના સંબંધોની વાત આવે છે, ત્યારે જાપાનનું તેમાં એક મહત્વનું સ્થાન છે. આ સંબંધ આજના નથી, પરંતુ સદીઓ જૂના છે. તેના મૂળમાં આત્મીયતા, સદભાવના,એકબીજાની સંસ્કૃતિ અને સભ્યતા માટે સમ્માન છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે ગાંધીજીની એક શીખ બાળપણથી અમે લોકો સાંભળતા આવ્યા છીએ અને તે શીખ હતી, ખોટું જોવો નહીં, ખોટું સાંભળો નહીં, ખોટું કહો નહીં. ભારતના બાળકો આને સારી રીતે જાણે છે, પરંતુ ઘણાં ઓછા લોકોને ખબર છે કે જે ત્રણ વાંદરાને આ સંદેશ માટે બાપુએ પસંદ કર્યા તેનું જન્મદાતા 17મી સદીનું જાપાન છે. પીએમ આબેને દિલ્હી સિવાય અમદાવાદ અને વારાણસી લઈ જવાનું સૌભાગ્ય મને મળ્યું. પીએમ આબે મારા સંસદીય મતવિસ્તાર અને દુનિયાની સૌથી જૂની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક નગરીમાંથી એક કાશીમાં ગંગા આરતીમાં સામેલ થયા. તેમની આ તસવીર પણ દરેક ભારતીયોના મનમાં વસી ગઈ છે.