Site icon hindi.revoi.in

માત્ર અમેરિકામાં જ નહિં, વિશ્વના અન્ય દેશોમાં પણ સૂત્ર સંભળાય છે કે GO BACK TO YOUR COUNTRY

Social Share

ટ્રમ્પે તાજેતરમાં અમેરિકાની ચાર મહિલા સાંસદોનાં નામ લીધા સિવાય ટ્વીટર પર લખ્યું કે, આ પ્રોગ્રેસિવ મહિલા સાંસદો આ મહાન અમેરિકાની ચિંતા કરવા કરતાં તેઓ જ્યાંથી અહીં આવ્યાં છે ત્યાં જઈને પોતાના દેશની સ્થિતિ સુધારવા પ્રયત્નો કરે. જો અમેરિકા સારું ન લાગતું હોય તો તેઓએ તેમના દેશમાં ચાલ્યા જવું જોઈએ.

વિપક્ષની જે ચાર મહિલા સાંસદોને લઈને ટ્રમ્પે જે નિવેદન કર્યું હતું તેમાં ચારમાંથી ત્રણ મહિલાઓ મુસ્લિમ મહિલાઓ છે અને આ ચારેય મહિલા સાંસદો અમેરિકા બહારના દેશોનું મૂળ ધરાવે છે. રશિદા તલેબ ફિલિપાઈન્સ મૂળની છે. ઇલ્હાન ઉમર સોમાલિયા મૂળની છે. અનાયા આફ્રિકન મૂળની છે અને એલેક્ઝાન્ડ્રિયા પોતે પ્યુર્ટોરિકો મૂળની છે. ટ્રમ્પે ટ્વિટ કરેલી કે અમેરિકામાં જેટલી આઝાદી છે તેટલી ક્યાંય નહીં હોય તેમ છતાં જો તેમને એમ લાગતું હોય કે અહીં આઝાદી જેવું કંઈ નથી તો તેમણે તેમના મૂળ દેશમાં ચાલ્યા જવું જોઈએ કે જ્યાં હાલ એકદમ બદતર હાલત છે, તેને સુધારવા પ્રયત્નો કરવા જોઈએ.

ટ્રમ્પના આ વિધાને અમેરિકામાં ખલબલી મચાવી દીધી છે. ટ્રમ્પના વિરોધીઓએ તેમના નિવેદનના પ્રત્યાઘાત રૂપે ટ્રમ્પ પર તીખાં તીર છોડ્યાં છે. ટ્રમ્પ પર આક્ષેપ મુકાયો કે ટ્રમ્પ શ્ર્વેત રાષ્ટ્રવાદ ઠોકી બેસાડવા માંગે છે. ટ્રમ્પ અમેરિકાને વંશીય બનાવવા માંગે છે. અગાઉ ગોલ્ડન ગ્લોબ ઍવોર્ડ સમારંભમાં અભિનેત્રી મેરિલ સ્ટ્રીપે ઍવોર્ડ લેતી વખતે કહ્યું હતું કે, ‘હોલિવૂડમાંથી વિદેશી કલાકારો જતા રહેશે તો અમેરિકામાં શું બચશે ?’ હોલિવૂડ અમેરિકા બહારના કલાકારોથી બનેલું છે. જો તમે તેમને દેશ બહાર કાઢશો તો અમેરિકા પાસે કહેવા ખાતર માત્ર ફૂટબોલ અને માર્શલ આર્ટ જ બચશે, જેને કલા (art) ગણાવી શકાય જ નહીં. વધુમાં તેણે પોતાના વક્તવ્યમાં કહ્યું કે, પોતે ન્યૂજર્સીમાં મોટી થઈ છે પણ તે અમેરિકન નથી. તેની જેમ જેસિકા પાર્કર, એમી એડમ્સ, નતાલિયા નેગા, વોયેલા ડેવિસ ભારતીય મૂળનો અમેરિકન એક્ટર દેવ પટેલ બધા બહારના છે. ડેમોક્રેટિક પક્ષના સાંસદ અલ ગ્રીને તો સંસદમાં ટ્રમ્પની સામે મહાઅભિયોગનો પ્રસ્તાવ પણ મૂકી દીધો. અલબત્ત ડેમોક્રેટોએ જ તેને ટેકો ન આપતાં પ્રસ્તાવ ઊડી ગયો.

આ પરિસ્થિતિના સંદર્ભમાં આપણને પ્રશ્ર્ન થાય કે શું કોઈ દેશનો વડો પોતાના દેશના નાગરિકોને દેશ છોડીને તેમના મૂળ દેશમાં ચાલ્યા જવાનું કહી શકે ? પ્રથમ દૃષ્ટિએ આપણને એમ લાગે છે કે આવું ચોખ્ખુંચટ્ટ વિધાન સૌ પ્રથમ માત્ર ટ્રમ્પે જ કર્યું છે. પણ હકીકતમાં એવું નથી. ટ્રમ્પની અગાઉ પણ ઘણા સમય પહેલાં જોન ક્વિન્સી એડમ્સ કે જેઓ અમેરિકાના ‘સેક્રેટરી ઓફ ધ સ્ટેટ’ હતા તેમણે પણ બિલકુલ આટલા જ સ્પષ્ટ શબ્દોમાં વિદેશી મૂળના લોકોને સુણાવી દીધું હતું.

પ્રશ્ર્ન એ થાય કે અમેરિકામાં એવી તો કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી કે જેથી દેશના નાગરિકોને દેશ છોડી જવા માટે કહેવામાં આવ્યું હોય !

અમેરિકા ખંડ શોધાયા પછી ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, સ્પેન, પોર્ટુગલ જેવા એક ડઝન કરતાં પણ વધારે દેશોમાંથી લોકો આ નવી શોધાયેલી ભૂમિ પર સ્થિર વસવાટ કરવા માટે આવી ગયા હતા. આ લોકોએ અમેરિકાના મૂળ વતનીઓ પર ભારે હુમલા કરી તેમને કાં તો મારી નાખ્યા હતા અથવા અંતરિયાળ જંગલોમાં વસવા ફરજ પાડી હતી. બીજા અર્થમાં તેમણે ત્યાંના મૂળ વતનીઓનું જાતિ નિકંદન (Ethenic cleansing) કરી નાખ્યું હતું. પરંતુ તે પછી સમસ્યા ઊભી થઈ. અમેરિકામાં અનેક રાષ્ટ્રીયતાઓ ધરાવતા લોકોની કોલોનીઓમાંથી એક અમેરિકા રાષ્ટ્ર ઊભું કરવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે જાતજાતની રાષ્ટ્રીયતા ધરાવતા લોકો વચ્ચે વિખવાદ ઊભો થયો. કયા રાષ્ટ્રજીવનને અમેરિકાના રાષ્ટ્રજીવન તરીકે માન્ય કરવું તે બાબતે જ્યારે અમેરિકામાં વિરોધી અને આક્રમક સૂરો સંભળાવા લાગ્યા, તે વખતે ‘અમેરિકાના સેક્રેટરી ઓફ ધ સ્ટેટ’ જૉન ક્વિન્સી એડમ્સે અમેરિકામાં વસતા લોકોને ઉદ્દેશીને એક પત્ર પ્રગટ કરેલો. તેમણે પોતાના પત્રમાં લખ્યું હતું કે, ‘બહારથી આવેલા લોકોએ અમેરિકાના રાષ્ટ્રજીવનની સાથે સમરસ બનવું પડશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આગ્રહપૂર્વક લખેલું કે “They must cast off their European skin never to resume it’  (અર્થાત્ યુરોપના ભિન્ન ભિન્ન દેશોના સંસ્કાર લઈને આવેલા લોકોએ પોતાના સંસ્કારોને ફગાવી દેવા પડશે. તેમણે એક મહત્ત્વપૂર્ણ વાક્ય લખ્યું કે, Hereafter they must look forward for their posterity rather than backward to their ancestors એટલે કે જે દેશમાંથી તેઓ આવ્યા હોય તે દેશના પૂર્વજોની તરફ ન જોતાં આવનારી પેઢીની સાથે પોતાના જીવનને જોડવું પડશે. વધુમાં તેમણે કડકાઈપૂર્વક કહ્યું કે, ‘જો તેઓ આવું કરી ન શકતા હોય તો Then Atlantic is always open to them to return to the land of their nativity and forefathers અર્થાત્ અમેરિકાના રાષ્ટ્રજીવન સાથે સમરસ થવાની તૈયારી જેનામાં ન હોય તેમના માટે એટલાન્ટિક મહાસાગર ખુલ્લો છે જ્યાંથી તેઓ તેમના પૂર્વજોના દેશમાં પાછા જઈ શકે છે.’

આ શબ્દો એક પ્રગતિશીલ રાષ્ટ્રના જવાબદાર અધિકારી ‘સેક્રેટરી ઓફ ધ સ્ટેટ’ના છે જેમણે પણ કઠોર શબ્દોમાં ‘આવ્યા છો ત્યાં પાછા ચાલ્યા જાઓ’ એવું કહ્યું હતું. કારણ કે રાષ્ટ્ર Territorial Concept નથી. રાષ્ટ્ર તો cultural Concept છે. અલબત્ત આવી સમસ્યા અમેરિકામાં પેદા થાય તે સ્વાભાવિક એટલા માટે છે કે ભારત જેમ પુરાતન અને ચિરંતન રાષ્ટ્રજીવન ધરાવે છે તેવું અમેરિકામાં નથી. અમેરિકા ખરા અર્થમાં અ A Nation in Making છે. અમેરિકા પોતાનું રાષ્ટ્રજીવન ઘડી રહ્યું છે. Colonism છોડી nationalism તરફ આગળ વધી રહ્યું છે. તેવી પરિસ્થિતિમાં આવા મતભેદો ઊભા થાય તે સ્વાભાવિક છે.

પરંતુ આ સ્થિતિ એકલા અમેરિકામાં જ નથી. યુરોપના ઘણા બધા દેશોમાં આ સમસ્યા જોવા મળે છે. હવે તો એવું લાગે છે કે યુરોપના કેટલાક દેશોમાં Go back to your country – તમારા દેશમાં પાછા જાવ – એ લોકોનું રોષવાક્ય બની ગયું છે. થોડી ઘટનાઓ જોઈએ.

બ્રિટનની સંસદ બહાર ૩૭ વર્ષીય એક શીખ મુલાકાતે લાઈનમાં ઊભો રહ્યો હતો ત્યારે એક શ્ર્વેત નાગરિકે હુમલો કરી બોલ્યો : ‘ગો બેક ટુ યોર કન્ટ્રી.’ (સમાચાર : તા. ૨૩-૨-૨૦૧૮)

કેનેડામાં રહેતા રાહુલને એક શ્ર્વેત મહિલા સાથે પાર્કિંગ બાબતે ઝઘડો થતાં તેણે કહ્યું ‘ગો બેક ટુ યોર કન્ટ્રી, યુ પાકિ.’ (સમાચાર : તા. ૨૨-૮-૨૦૧૮)

ફ્રાંસમાં કોર્સિકા ટાપુમાં એક મસ્જિદમાં ૬૦૦ જેટલાં ફ્રેન્ચ લોકોનું ટોળુ ‘આ અમારું ઘર છે. આરબો દેશ બહાર જાવ’ના નારા સાથે તોડફોડ કરી.

ઓસ્ટ્રેલિયામાં એક મુલ્લાએ શરિયત માંગી તો ત્યાંના પ્રાઈમ મિનિસ્ટરે સંભળાવી દીધું કે ‘Then find out the other country and go there.’

આ સમસ્યાના મૂળમાં ત્રણ લોકો તરફ આંગળી ચીંધાય છે. (૧) દેશ બહારથી કાયદેસર આવેલા લોકો (૨) ઘૂસણખોરો અને (૩) શરણાર્થીઓ. મૂળવતનીઓની ફરિયાદ છે કે આ લોકો જે દેશમાં રહે છે તે દેશના રાષ્ટ્રજીવનમાં સમરસ બનતા નથી. આ લોકો પોતાની અલગ ઓળખ જાળવવા માંગતા હોવાથી મૂળવતનીઓમાં અસલામતીનો અને ધિક્કારનો ભાવ જાગ્યો છે. પરિણામે ‘તમારા દેશમાં પાછા જાવ’નું ધિક્કારસૂત્ર પ્રચલિત થવા માંડ્યું છે.

વર્તમાન ઘટના પછી પ્રશ્ર્નો ઊભા થાય છે કે શું ટ્રમ્પનાં આ કડવાં વિધાનો અમેરિકામાં ધ્રુવીકરણ કરી ચૂંટણી જીતવાનો માત્ર પેંતરો જ છે ? કે પછી દૂષિત થતા અમેરિકી રાષ્ટ્રજીવનને શુદ્ધીકરણની દિશા આપી રહ્યા છે ? અમેરિકાનો આ અભિગમ શું વિશ્ર્વના અન્ય દેશોને પણ પ્રભાવિત કરશે ? આપણે રાહ જોઈએ.

Exit mobile version