Site icon hindi.revoi.in

નક્સલી હુમલામાં માર્યા ગયેલા ભાજપના MLAના પરિવાજનોને શપથવિધિમાં બોલાવવાનું ભૂલી ગયું ભાજપ!

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારંભમાં ખાસથી લઈને સામાન્ય શ્રેણીમાં આવતા મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમાં પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસામાં જીવ ગુમાવનારા ભાજપના કાર્યકર્તાઓના પરિવારના સદસ્યોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તો પુલવામા એટેકમાં શહીદ થનારા સુરક્ષાદળના જવાનોના પરિવારજનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.

પરંતુ ભાજપ તરફથી લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રચાર કરતા છત્તીસગઢમાં નક્સલી હુમલામાં માર્યા ગયેલા ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીના પરિવારને શપથવિધિમાં આમંત્રિત કરવામાં આવ્યો ન હતો.

દિવંગત ધારાસભ્ય ભીમા મંડાવીના પત્ની ઓજસ્વી મંડાવીએ આના સંદર્ભે પોતાની પીડાને વ્યક્ત કરી હતી. ધારાસભ્યના પત્નીએ કહ્યું છે કે તેમને શપથગ્રહણમાં સામેલ થવા માટે કોઈ સંદેશ આપવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું છે કે તેમના પતિએ ભાજપ માટે શહાદત આપી અને સંપૂર્ણ સમર્પણથી કામ કર્યું હતું. તેવામાં શપથગ્રહણ મટે આમંત્રણ નહીં મળવાથી તેઓ થોડા દુખી જરૂર છે.

પાર્ટી તરફથી તેમની ઉપેક્ષા કરવામાં આવતી હોવા સંબંધિત સવાલ પર ધારાસભ્યના પત્નીએ કહ્યું છે કે તેમને લાગે છે કે પાર્ટી તરફથી આમ કરાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં 11 એપ્રિલે મતદાનથી બે દિવસ પહેલા દંતેવાડામાં એક નક્સલી હુમલામાં ભાજપના ધારાસભ્યના કાફલા પર નક્સલીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીનું મોત નીપજ્યું હતું. આ હુમલો એવા સમયે થયો હતો કે જ્યારે તેઓ એક ચૂંટણી રેલીને સંબોધિત કર્યા બાદ પાછા ફર રહ્યા હતા.

દંતેવાડા જિલ્લાના વતની ભીમા મંડાવી સૌથી પહેલા 2008માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. બાદમાં  તેમને હારનો સામનો કરવો પડયો હતો. પરંતુ 2018ની ચૂંટણીમાં તેમણે ફરીથી જીત પ્રાપ્ત કરી હતી. તેઓ બસ્તર સંભાગમાંથી જીત પ્રાપ્ત કરનારા ભાજપના એકમાત્ર ધારાસભ્ય હતા. આ કામિયાબી બાદ જ તેમને વિધાનસભામાં ઉપનેતા પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ લાંબા સમયથી વિશ્વ હિંદુ પરિષદ સાથે પણ જોડાયેલા રહ્યા હતા.

આ ધારાસભ્યના મોત છતાં 11 એપ્રિલે થયેલા મતદાનમાં દિવંગતના પત્ની સહીત પરિવારજનોએ વોટિંગ કર્યું હતું. વોટ નાખવામાં દિવંગત ધારાસભ્યના પત્ની સિવાય તેમના પિતા લિંગ મંડાવી પણ સામેલ હતા. વોટિંગના એક દિવસ પહેલા જ ભીમા મંડાવીએ કહ્યુ હતુ કે તેઓ નક્સલીઓ સામે પોતાના પુત્રના મોતનો બદલો જરૂર લેશે. આ પહેલા નક્સલીઓએ દંતેવાડામાં ચૂંટણી કરાવવાનો વિરોધ કર્યો હતો.

Exit mobile version