કેરળના સિસ્ટર લૂસી કલપુરાએ રોમના કેથોલિક ચર્ચમાં અપીલ કરી પોતાની વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહીને ખોટી ગણાવી છે. રેપના આરોપી બિશપ ફ્રેંકો મુલક્કલની વિરુદ્ધ કોચ્ચિમાં થયેલા પ્રદર્શનોમાં સામેલ થવાને કારણે સિસ્ટર લૂસીને ચર્ચની ગતિવિધિઓથી દૂર કરી કુરાવિલંગદ કોન્વેસ્ટ સ્કૂલ છોડવા માટે તાકીદ કરવામાં આવી હતી.
આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં અહેવાલ આવ્યા હતા કે બિશપ ફ્રેંકો મુલક્કલ પર આરોપ લગાવનારી પીડિતા નનને સમર્થન આપનારી પાંચ નનોમાંથી ચારને કુરાવિલંગદ કોન્વેન્ટ સ્કૂલ છોડવા માટે તાકીદ કરાઈ છે.
મહત્વપૂર્ણ છે કે જ્યારે સિસ્ટર લૂસી કલપુરાએ છ નનોની સાથે મુલક્કલનો વિરોધ શરૂ કર્યો તો કેથોલિક ખ્રિશ્ચિયન સોસાયટી ફ્રાસિસ્કન ક્લેરિસ્ટ કોન્ગ્રિગેશને નિયમોને ટાંકીને તેમનો અવાજ દબાવવાની કોશિશ કરી હતી.
ખ્રિશ્ચિયન કેથોલિક સંસ્થા એફસીસીની વિરુદ્ધ જઈ બિશપ ફ્રેંકો મુલક્કલ પર આરોપ લગાવાયા બાદથી જ તમામ છ નનોને એફસીસસી દ્વારા તેમના કથિત અપરાધો માટે ઘણીવાર ધમકીઓ પણ આપવામાં આવી છે. આના પહેલા કેથોલિક ચર્ચે સિસ્ટર કલાપુરાને ચેનલની ડિબેટમાં ભાગ લેવા, બિન-ખ્રિસ્તી અખબારોમાં લેખ લખવા અને કેથોલિક નેતૃત્વની વિરુદ્ધ ખોટા આરોપ લગાવવા માટે ચેતવણી મોકલી હતી.
સિસ્ટર લૂસીને વાયનાડમાં મંથાવેદીથી 260 કિલોમીટર દૂર અલુવામાં એફસીસી મુખ્યમથકમાં પોતાનો પક્ષ રજૂ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. કલપુરાએ એ કહેતા કે તેમણે કોઈ ભૂલ કરી નથી, એફસીસીના મુખ્યમથકમાં જવાનો ઈન્કાર કર્યો હતો. કલપુરાએ એમ પણ કહ્યુ હતુ કે બિશપ મુલક્કલની વિરુદ્ધ થનારા વિરોધ પ્રદર્શનમાં તે ફરીથી ભાગ લેશે.
બિશપ ફ્રેંકો મુલક્કલ પર મે-2014માં કુરાવિલાંગડના એક ગેસ્ટહાઉસમાં 44 વર્ષીય નનની સાથે બળાત્કાર અને તેના પછી યૌન શોષણનો આરોપ છે. નને જૂન-2018માં એક ફરિયાદ કરી હતી અન એવો પણ દાવો કર્યો હતો કે તેમની ફરિયાદો છતાં, ચર્ચે બિશપ પર કોઈ કાર્યવાહી કરી નહીં. એટલું જ નહીં કેથોલિક સંસ્થા પણ બળાત્કારના આરોપી બિશપની સાથે ઉભી થઈ ગઈ હતી અને બિશપને કથિત નિર્દોષ આત્મા તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યો.
ફ્રેંકો બિશપના તપાસ દળ દ્વારા તેની વિરુદ્ધ પુરાવા મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને સશર્ત જામીન આપીને મુક્ત કરવામાં આવ્યો હતો. તેના પ્રમાણે તેને દર બે સપ્તાહે એક વખત તપાસ ટીમની સામે રજૂ થવા અને પોતાનો પાસપોર્ટ સરન્ડર કરવા માટે કહેવામાં આવ્યું હતું.