દિલ્હીની નોર્થ-વેસ્ટ સીટ પરથી બીજેપીએ સિંગર હંસરાજ હંસને ટિકિટ આપી છે. આ સીટ પરથી બીજેપીએ પોતાના પ્રવર્તમાન સાંસદ ઉદિત રાજની ટિકિટ કાપી નાખી છે. જણાવવામાં આવી રહ્યું છે કે હંસરાજ હંસ આજે જ પોતાનું નોમિનેશન ફાઇલ કરશે. હંસરાજ હંસે 2016માં બીજેપી જોઈન કરી હતી.
ઉલ્લેખનીય છે કે સોમવાર સુધી બીજેપીએ દિલ્હીની સાતમાંથી છ સીટ્સ પર પોતાના ઉમેદવારોનું એલાન કર્યું હતું. ઉત્તર-પશ્ચિમ સીટને લઈને શંકાઓ યથાવત હતી. આ સીટ પરથી બીજેપીના સાંસદ ઉદિત રાજે કહ્યું હતું કે પાર્ટી આ શંકાને દૂર કરે. જો પાર્ટી મને ટિકિટ નહીં આપે તો હું પાર્ટી છોડી દઇશ. ઉદિત રાજની આ ધમકીને બાજુએ મૂકીને બીજેપીએ હંસરાજ હંસને ઉમેદવાર બનાવી દીધા છે.
સિંગર હંસરાજ હંસે પોતાના રાજકીય સફરની શરૂઆત જાન્યુઆરી, 2009માં શિરોમણી અકાલી દળથી કરી હતી. તેઓ જલંધર સીટ પરથી ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. 18 ડિસેમ્બર, 2014ના રોજ હંસરાજ હંસ અકાલીદળ છોડીને ફેબ્રુઆરી, 2016માં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. જોકે, થોડા દિવસો પછી તેમનો કોંગ્રેસ મોહ ઉતરી ગયો અને 10 ડિસેમ્બર, 2016ના રોજ તેઓ બીજેપીમાં જોડાયા હતા.
દિલ્હીમાં બીજેપીએ પોતાના બે પ્રવર્તમાન સાંસદોની ટિકિટ કાપી છે. ચાંદનીચોકથી ડૉ. હર્ષવર્ધન, ઉત્તરી પૂર્વી દિલ્હીથી મનોજ તિવારી, પશ્ચિમી દિલ્હીથી પ્રવેશ વર્મા, દક્ષિણી દિલ્હીથી રમેશ બિધુડી, નવી દિલ્હીથી મીનાક્ષી લેખી, પૂર્વી દિલ્હીથી ગૌતમ ગંભીર અને હવે ઉત્તર પશ્ચિમ દિલ્હીથી હંસરાજ હંસને ઉમેદવાર બનાવ્યા છે. બીજેપીએ પૂર્વ દિલ્હીથી સાંસદ મહેશ ગિરિ અને ઉત્તર પશ્ચિમથી સાંસદ ઉદિત રાજની ટિકિટ કાપી નાખી છે.
ટિકિટ કપાઈ ગયા પછી ઉદિત રાજે ટ્વિટર પર પોતાના નામની આગળથી ચોકીદાર હટાવી દીધું છે. તેમણે લખ્યું, “મારા ટિકિટના નામમાં વિલંબ થવા પર આખા દેશમાં મારા દલિત સમર્થકોમાં રોષ છે અને જ્યારે મારી વાત પાર્ટી સાંભળી નથી રહી તો સામાન્ય દલિત કેવી રીતે ન્યાય મેળવશે.”