ગ્લોબલ બજારોમાં સંયુક્ત કારોબાર અને રૂપિયામાં તેજીની વચ્ચે મંગળવારે સ્થાનિક શેરબજારની રોનક યથાવત છે. જોકે શરૂઆતના કારોબારમાં સામાન્ય ઘટાડો જરૂર થયો, પરંતુ ત્યારબાદ શાનદાર વાપસી જોવા મળી. સેન્સેક્સ 125 પોઇન્ટ્સની નબળાઇ સાથે 40,145ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ થોડીક કમજોરી સાથે 12,050ની પાર જળવાઈ રહ્યો છે.
શરૂઆતના વેપારમાં યસ બેંકના શેર્સમાં 2.75 ટકાથી વધુ તેજી જોવા મળી. આ જ રીતે એનટીપીસી, પાવરગ્રિડ, એલએન્ડટી અને ટાટા મોટર્સના શેર્સ પણ 1 ટકાથી વધુના વધારા સાથે કારોબાર કરતા જોવા મળ્યા. લાલ નિશાન પર ટ્રેડ કરી રહેલા શેર્સની વાત કરીએ તો એચસીએલ, ટીસીએસ, હીરો મોટોકોર્પ અને ઇન્ફોસિસ રહ્યા હતા.
આ દરમિયાન, ડોલરની સરખામણીએ દેશી કરન્સી રૂપિયામાં મજબૂતી મંગળવારે પણ યથાવત રહી. રૂપિયો સવારે નવ વાગે 11 પૈસાની મજબૂતી સાથે 69.15 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યા પછી અને વધારો નોંધાવીને 69.42 પર આવી ગયો. ગયા સત્રમાં ડોલરની સરખામણીએ રૂપિયો 44 પૈસાની મજબૂતી સાથે 69.26 પર બંધ થયો હતો.
સોમવારે બન્યો હતો નવો રેકોર્ડ
આ પહેલા સોમવારે ભારતીય શેરબજાર ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા પછી રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયો. સેન્સેક્સ 40,308ના રેકોર્ડ સ્તરે પહોંચ્યા પછી ટ્રેડિંગના અંતમાં ગયા સત્રથી 553 પોઇન્ટસ એટલે કે 1.39 ટકા તેજીની સાથે 40,267 પર બંધ થયો. આ રેકોર્ડ ક્લોઝિંગનું સ્તર છે.
આ જ રીતે નિફ્ટી પણ રેકોર્ડ ઊંચા સ્તર 12,103થી પછડાઈને ગયા સત્રમાં 165 પોઇન્ટ્સ એટલેકે 1.39 ટકાની તેજી સાથે 12,088ના રેકોર્ડ સ્તરે બંધ થયો.
બજારના જાણકારો જણાવે છે કે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ની દ્વિમાસિક મોનેટરી પોલિસી રિવ્યુ મીટિંગમાં મુખ્ય વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષાથી બજારોમાં તેજીનું વલણ યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે આરબીઆઇની મીટિંગના પરિણામો ગુરૂવારે આવવાના છે. એ વાતની અપેક્ષા છે કે આરબીઆઇ રેપોરેટમાં ઘટાડો કરી શકે છે.