દિલ્હીઃ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને ચહલપહલ તેજ બની છે. કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદ હાઈકમાન્ડથી નારાજ હોવાથી તેમને મનાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. ત્યારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ દિગ્વિજયસિંહનું ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું છે. રાહુલ ગાંધી ભલે કોંગ્રેસના અધ્યક્ષ નથી પરંતુ પડદા પાછળથી પાર્ટી ઉપર તેમનું જ નિયત્રણ હોવાનો ચોંકાવનારો ખોલાસો મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કર્યો છે.
કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજયસિંહે એક ખાનગી ટીવી ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, પાર્ટીમાં જે અસંતોષ છે એ એક દિવસમાં નથી વધ્યો. જ્યારે સોનિયા ગાંધી પાર્ટીના કાર્યકરી અધ્યક્ષ બન્યાં ત્યારથી વિવાદ વધવા લાગ્યો હતો. રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષનું પદ છોડી દીધું હતું, પરંતુ પાર્ટી ઉપર તેમનું જ નિયંત્રણ છે. પાર્ટીના પદાધિકારીઓની નિયુક્તિ તેના પુરાવો છે. રાહુલ ગાંધીનું કોંગ્રેસ ઉપર નિયંત્રણ હોવાથી નેતાઓમાં અસંતોષ વધ્યો છે. રાજ્યસભાની ચૂંટણી પછી અસંતોષ સામે આવ્યો છે. મુકુલ બનાની અને કેસી વેણુગોપાલની જગ્યાએ રાજીવ સાતવના નામ માટે રાહુલ ગાંધીએ જ હામી ભરી હતી. જેથી પાર્ટીમાં વધારે નારાજગી વ્યાપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દિગ્વિજય સિંહે એક ટ્વીટ કર્યું હતું. જેમાં કહ્યું હતું કે, સોનિયા ગાંધી જો કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડવા માંગતા હોય તો રાહુલ ગાંધીએ પોતાની જીદ છોડીને અધ્યક્ષનું પદ સ્વિકારી લેવું જોઈએ. દેશના કોંગ્રેસના કાર્યકરો અન્ય કોઈને અધ્યક્ષ તરીકે સ્વિકારશે નહીં.