નવી દિલ્હી: રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામા બાદ આગામી કોંગ્રેસ અધ્યક્ષને લઈને ચર્ચાઓનો તબક્કો ચાલુ છે. કોંગ્રેસ પાર્ટીના આગામી અધ્યક્ષ કોણ હશે, તે વાતને લઈને અટકળો ચાલુ છે. જોકે આ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. કર્ણ સિંહે પત્ર લખીને કોંગ્રેસ વર્કિંગ કમિટીને અપીલ કરી છે.
ડૉ. કર્ણ સિંહે પત્રમાં કહ્યું છે કે ઝડપથી સીડબલ્યૂસીની બેઠક બોલાવવામાં આવે. આ બેઠકમાં એક વચગાળાના અધ્યક્ષ અને ચાર વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવવામાં આવે.
તેમણે સૂચન કર્યું છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અધ્યક્ષતામાં સીડબલ્યૂસીની બેઠક બોલાવવામાં આવે.
ડૉ. કર્ણ સિંહે પોતાના પત્રમાં લખ્યું છે કે 25મી મેના રોજ રાહુલ ગાંધીના રાજીનામા બાદનો સમય તેમને રાજીનામું પાછું લેવાની વિનંતીમાં બરબાદ કરી દેવામાં આવ્યો છે. કર્ણસિંહે રાહુલ ગાંધીના રાજીનામાના પગલાને સાહસિક ગણાવ્યું છે. તેમણે લખ્યું છે કે તેમના પર રાજીનામું પાછું લેવા માટે દબાણ બનાવવું જોઈતું ન હતું. રાહુલ ગાંધીના રાજીનામાના છ સપ્તાહ બાદ પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાય નથી.