શ્રીનગર : આતંકવાદી ફરી એકવાર કાશ્મીરમાં પુલવામા એટેકના પુનરાવર્તનની સાજિશને પાર પાડવાની ફિરાકમાં છે. અહેવાલ છે કે પાડોશી દેશ પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓ પુલવામામાં હાઈવે પર ફરી એકવાર સુરક્ષાદળોને નિશાન બનાવે તેવી શક્યતા છે. આ ઈનપુટ્સ બાદ ગુપ્તચર એજન્સીઓએ કાશ્મીર ખીણમાં એલર્ટ જાહેર કરી દીધું છે. આ વર્ષે 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના જવાનો પર આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા.
અહેવાલ છે કે આતંકવાદી બુરહાન વાનીની વરસી પર આતંકવાદી સુરક્ષાદળો પર હુમલાનું ષડયંત્ર રચી રહ્યા છે. પાકિસ્તાની આતંકવાદી પુલવામા અને તેની આસપાસમાં સુરક્ષાદળોને નિશાન બનાવવાની ફિરાકમાં છે. આતંકવાદી આઈઈડી અને સ્નાઈપર દ્વારા હુમલો કરે તેવી શક્યતા છે. સુરક્ષાદળોએ છથી આઠ પાકિસ્તાની આતંકવાદીઓના પ્લાનને ઈન્ટરસેપ્ટ કર્યો છે. જણાવવામાં આવે છે કે આ ટીમમાં એક સ્નાઈપર પણ સામેલ છે.
એટલું જ નહીં કાશ્મીરમાં છૂપાઈને રહેવા માટે પાકિસ્તાની આતંકવાદીઓએ પોતાના નામ પણ બદલ્યા છે. આઠમી જુલાઈ-2016ના રોજ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી બુરહાન વાનીને સુરક્ષાદળોએ એક ઓપરેશનમાં ઠાર માર્યો હતો. ગુપ્તચર રિપોર્ટ બાદ તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.
14મી ફેબ્રુઆરી-2014ના રોજ પુલવામાના અવંતીપોરામાં સીઆરપીએફની એક બસને આતંકવાદીઓએ નિશાન બનાવીને ફિદાઈન એટેક કર્યો હતો. જેમાં 44 જવાનો શહીદ થયા હતા. તેના પછી ભારતે 26 ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઈક કરીને બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાને નિશાન બનાવ્યું હતું.