Site icon Revoi.in

MP: રતલામમાં સિદ્ધુની સભા પહેલા ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયો પથ્થરમારો

Social Share

રતલામના આલોટ શહેરમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુની આજે સવારે 11 વાગે કોંગ્રેસ ઉમેદવાર બાબુલાલ માલવીયના સમર્થનમાં એક સભા હતી. પરંતુ, તેમના આવતા પહેલા જ ભાજપ મંડળ અધ્યક્ષ દિનેશ કોઠારી, જનપદ અધ્યક્ષ કાલુસિંહ પરિહાર પોતાના સાથીઓ સાથે સભાસ્થળ પર કાળા ઝંડા લઇને પહોંચી ગયા. તેનાથી કોંગ્રેસી કાર્યકર્તાઓ ગુસ્સે થઈ ગયા અને બંને પક્ષ સામસામે આવી ગયા અને એકબીજા વિરુદ્ધ નારેબાજી શરૂ થઈ ગઈ.

પરંતુ થોડીવાર પછી માહોલ વધુ ગરમ થયો અને બંને તરફથી પથ્થરમારો શરૂ થઈ ગયો. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાજપ મંડળ અધ્યક્ષ દિનેશ કોઠારીની જબરદસ્ત મારપીટ કરી. જેમ-તેમ કરીને પોલીસે તેમને કોંગ્રેસી કાર્યકર્તાઓની ચુંગાલમાંથી છોડાવ્યા. એટલું જ નહીં ગુસ્સે ભરાયેલા કોંગ્રેસીઓએ જનપદ અધ્યક્ષ કાલુસિંહ પરિહારને પણ માર્યા અને તેમના ઘરે જબરદસ્ત પથ્થરો વરસાવ્યા. કોંગ્રેસ ધારાસભ્ય મનોજ ચાવલા પણ પથ્થરો મારતા જોવા મળ્યા.

બંને પાર્ટીઓના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી પથ્થરબાજી પછી શહેરમાં અફડા-તફડી મચી ગઈ અને બજારો બંધ થઈ ગયા. પથ્થરબાજી વચ્ચે કોંગ્રેસ ધારાસભ્ય મનોજ ચાવલા કાર્યકર્તાઓને સમજાવવા માટે ભીડમાં પહોંચ્યા. ભાજપ નેતાઓનું કહેવું છે કે ધારાસભ્યએ પોતે જ પથ્થરમારો કર્યો છે અને તેમનો એક વીડિયો પણ વાયરલ થયો છે. પોલીસે આ મામલે જનપદ અધ્યક્ષ કાલુસિંહ પરિહાર અને ભાજપ મંડળ અધ્યક્ષ દિનેશ કોઠારી, કુશાલસિંહ પરિહાર, અમન માદલિયાની ધરપકડ કરી લીધી છે. વિવાદ પછી સિદ્ધુ આ સભામાં સામેલ થવા પહોંચ્યા નથી.