Site icon hindi.revoi.in

ગુજરાતમાં અલંગ ઉપરાંત જામનગરના સચાણામાં નાના-મધ્યમ કદના શિપ બ્રેકિંગ થશે

Social Share

અમદાવાદઃ ગુજરાતના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં મોટા-મોટા શિપ તોડવામાં આવશે. હવે આગામી દિવસોમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ઉપરાંત જામનગરના સચાણા શિપ બ્રેકિંગ યાર્ડમાં પણ આ કામગીરી કરવામાં આવશે. હવે મોટા અને વિશાળ જહાજો અલંગમાં અને નાના મધ્યમ કદના જહાજો સચાણામાં શિપ બ્રેકિંગ માટે આવશે. આ ઉપરાંત વિશ્વના મેરી ટાઇમ અને શિપ બ્રેકિંગ શિપ રીસાયકલિંગ મેપ પર સચાણા પણ સ્થાન પામશે.

પ્રાપ્ત માહીતી અનુસાર સચાણા નાના અને મધ્યમ કદના જહાજોને બ્રેકિંગ કરવા માટે યોગ્ય સ્થળ હોવાથી તે 1977થી કાર્યરત હતું. દરમિયાન વન વિભાગ દ્વારા આ જમીનના દરિયાઇ અભયારણ્ય માટે હોવાનો દાવો રજૂ થયો હતો. જેના કારણે વર્ષ 2012માં હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે, જ્યાં સુધી ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય અથવા સંબંધિત મંત્રાલય અથવા સક્ષમ ઓથોરિટી દ્વારા યોગ્ય મંજૂરી મેળવવામાં નહીં આવે ત્યાં સુધી અને કોર્ટ આગળના હુકમ પસાર ન કરે ત્યાં સુધી સચાણા ખાતે જહાજ તોડવાની કોઈ પ્રવૃત્તિઓ હાથ ધરવી નહીં.

આ વિવાદના ઉકેલ માટે હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી હતી. રાજ્ય સરકારે સચાણા ખાતે ડી.એલ.આઇ.આર દ્વારા સચાણા ગામની હદની માપણી કરી હતી. જે અંગે હાઇપાવર કમિટિની મીટીંગમાં માપણી રીપોર્ટને રજુ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં સચાણા ગામની સીમા, તથા 2012થી બંધ કરવામાં આવેલા આ શિપ બ્રેકિંગ પ્લોટ્સ વન વિભાગના અનામત જંગલના સેક્શન 4 અને મરીન અભયારણ્યના હદની બહાર આવતો હોવાનું સામે આવ્યું હતું.

જેથી કમિટીએ આ જગ્યા ગુજરાત મેરીટાઇમ બોર્ડની હદમાં આવતી હોઇ શિપ બ્રેકિંગ યાર્ડ પુન: ચાલુ કરવા માટે બોર્ડને પરત સોંપવાનું નક્કી કર્યું છે. દરમિયાન રાજ્યસરકારે જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી છે. શિપ બ્રેકિંગ યાર્ડ ફરીથી શરૂ થતા કેન્દ્ર અને રાજ્ય સરકારની આવકમાં પણ વધારો થવાની શકયતા છે.

Exit mobile version