Site icon Revoi.in

કાશ્મીરમાં સોમવારે ખુલશે સ્કૂલો, જાણો હવે કેવી છે કાશ્મીર ખીણની સ્થિતિ

Social Share

નવી દિલ્હી: કાશ્મીર ખીણમાં સોમવારથી સ્કૂલ અને અન્ય શૈક્ષણિક સંસ્થાનો ખુલશે. આ જાણકારી ન્યૂઝ એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોને ટાંકીને આપી છે. તો કાશ્મીરમાં હાલની પરિસ્થિતિની વાત કરીએ તો કાશ્મીર ખીણ શુક્રવારે સતત 12મા દિવસે બંધ રહી. જો કે અધિકારીઓએ શ્રીનગરમાં લોકોના આવાગમન પર પ્રતિબંધોમાં ઢીલ આપી છે.

પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે ખીણના મોટાભાગના વિસ્તારોમાં લોકોના આવાગમન પર પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે. અત્યાર સુધી સ્થિતિ શાંતિપૂર્ણ છે. તેમણે કહ્યુ છે કે સુરક્ષાદળોની તેનાતી પહેલાની જેમ જ છે. લોકોને શહેરની આસપાસ અને અન્ય શહેરોમાં આવાગમનની મંજૂરી આપવામં આવી છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ની મોટાભાગની જોગવાઈ રદ્દ થયા બાદ મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા માટે કોઈ નિર્દેશ આપતા પહેલા તે કંઈક વધુ રાહ જોશે. આના પહેલા કેન્દ્રે અદાલતને સૂચિત કરી હતી કે આ પ્રતિબંધો ધીરેધીરે હટાવાય રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. એ. બોબડે અને જસ્ટિસ એસ. અબ્દુલ નજીરની ખંડપીઠને કેન્દ્ર સરકારે સૂચિત કરી કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને આ પ્રતિબંધો ધીરેધીરે હટાવાય રહ્યા છે.