અમદાવાદ: કોરોનાવાયરસના કારણે વિશ્વના અનેક દેશોમાં શાળા તથા કોલેજોને બંધ રાખવામાં આવી હતી પણ હવે કેટલાક દેશોમાં સ્કૂલોને ફરીવાર શરૂ કરવામાં આવી છે અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે. બ્રિટન, રશિયા, યુક્રેન, ફ્રાન્સ અને જોર્ડન સહિત દુનિયાના અનેક દેશોમાં મંગળવારે સ્કૂલો ફરી શરૂ કરવામાં આવી છે.
હાલ આ બાબતે બ્રિટનના શિક્ષણમંત્રી ગેવિન વિલિયમ્સને કહ્યું કે કોરોનાવાયરસને અમે અત્યારે પણ ગંભીરતાથી લઈ રહ્યા છે પણ બાળકોનું શિક્ષણ પણ જરૂરી છે અને આ બાળકોના ભવિષ્યનો સવાલ છે.
રશિયામાં પણ વિદ્યાર્થીઓના ભવિષ્ચને ધ્યાનમાં રાખીને સ્કૂલનો શરૂ કરવામાં આવી છે અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે સ્કૂલોમાં વાયરસ સુરક્ષા નિયમોનું પાલન કરાશે. મોસ્કોની સ્કૂલોમાં શિક્ષકો માટે માસ્ક ફરજિયાત કરાયું છે. તેમને વિદ્યાર્થીઓથી યોગ્ય અંતર જાળવવા પણ નિર્દેશ અપાયો છે.
મહત્વનું છે કે હજુ પણ કેટલાક દેશોમાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે જે સરકાર તથા દેશવાસીઓ માટે ચિંતાનો વિષય છે. કોરોનાવાયરસની સામેની લડાઈમાં હાલ સમગ્ર વિશ્વ એક થઈને લડી રહ્યું છે અને કોરોનાવાયરસની વેક્સિનનું પરીક્ષણ પણ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.