સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની મેડિકલ કોલેજોના પીજી કોર્સીસમાં સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓના એડમિશન માટે ફરીથી કાઉન્સેલિંગનો આદેશ આપ્યો છે. કાઉન્સેલિંગની પ્રક્રિયા ઓનલાઇન નહીં પરંતુ મેન્યુઅલ રહેશે. કોર્ટે આ માટે 5 જૂનના રોજ છાપાઓમાં જાહેરાતનો આદેશ આપ્યો છે. સાથે જ કાઉન્સેલિંગ અને એડમિશનની પ્રક્રિયા 14 જૂન સુધી પૂરી કરવા માટે કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે આ આદેશ તે વિદ્યાર્થીઓની અરજી પર આપ્યો છે જેઓ કોર્ટના એ આદેશથી પ્રભાવિત હતા, જેમાં કોર્ટે કહ્યું હતું કે શૈક્ષણિક સત્ર 2019-20 માટે 10 ટકા EWS અનામત આ વર્ષના પીજી મેડિકલ કોર્સ એડમિશનમાં લાગુ નહીં થાય. કોર્ટનું કહેવું હતું કે કારણકે આ કોર્સિસ માટે એડમિશનની પ્રક્રિયા EWS અનામત લાગુ થવાના ઘણા પહેલા શરૂ થઈ ગઈ હતી, એટલે આ વર્ષે નિયમ લાગુ નહીં થાય.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આર્થિક રીતે નબળા વર્ગ માટે આ કોટા મેડિકલ કોલેજોમાં ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયામાં લાગુ નહીં કરી શકાય કારણકે EWSને અનામત આપવા માટે બંધારણમાં સુધારો થયો તે પહેલા પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકાર તરફથી 7 માર્ચના રોજ એક નોટિફિકેશન જાહેર થયું હતું. આ નોટિફિકેશન હેઠળ EWS કોટા અંતર્ગત આવનારા વિદ્યાર્થીઓને 10 ટકા અનામત આપવાની વાત કહેવામાં આવી હતી.